ગુજરાત
News of Monday, 22nd February 2021

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના રાનવેરીમાં અજાણ્યા શખ્સોએ યુવાનના માથામાં તીક્ષણ હથિયારના ઘા જીકી મોતને ઘાટ ઉતારતા માતાએ પોલીસનો સહારો લીધો

તાપી:જિલ્લાના વાલોડ તાલુકાના રાનવેરી ગામે અજાણ્યા શખ્સો યુવાનના માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા કરી હત્યા કર્યા બાદ માથા ઉપર પ્લાસ્ટિકની કોથળી અને ગરમ ટોપી પહેરાવી કોથળામાં વિટાળીને ઘર નજીક રોડ ઉપર ફેંકી ગયા હતા. પોલીસે યુવાનની માતાની ફરિયાદ લઇ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી આરોપીઓ સુધી પહોંચવા કવાયત આદરી છે.

વાલોડના રાનવેરી ગામે નિશાળ ફળિયામાં કિશન ઉર્ફે ક્રિષ્ના લક્ષ્મણભાઈ ચૌધરી (..૨૭) માતા પાર્વતીબેન સાથે રહેતો હતો. તેના ચાર વર્ષ અગાઉ ગામમાં રહેતી ટ્વિંકલ સાથે લગ્ન થયા હતા. પરંતુ લગ્નના મહિનામાં છુટાછેડા પણ થઇ ગયા હતા. કિશન છેલ્લા ૧૦ વર્ષની વાલોડ ખાતે આનંદવિહારમાં આવેલા દુર્ગા જવેલર્સમાં કામ કરતો હતો. ગત શુક્રવારે સવારે ૧૧ વાગે કિશન ઘરેથી જમીને નોકરી ઉપર જવા માટે નીકળ્યો હતો. બાદમાં શનિવારે તેની બાઈક પોતાના મામા કાતુભાઇના ઘરના આંગણામાં મુકેલી હતી. અને બાઈકના હેન્ડલ ઉપર પ્લાસ્ટિકની થેલી ભેરવેલી હતી. જેમાં છાશની થેલી, સોની કામ કરવાનું પક્કડ અને એક નોટબુક હતી. રાત્રે ૧૦ વાગ્યે કિશનના મિત્ર અનંતકુમાર સરપંચ રાકેશના સાળા સહિત ત્રણ-ચાર જણાએ કિશનની માતા પાર્વતીબેન પાસે આવી કિશન ક્યાં છે ? એમ પુછ્યું હતુ. પાર્વતીબેને તમારી સાથે ફરે છે, તે ક્યાં છે તે તમને ખબર હશે, મને કંઈ ખબર નથી તેમ જવાબ આપ્યો હતો. અડધા કલાક પછી અનંત સહિતનાઓ ત્યાંથી નીકળી ગયા હતા. દરમિયાન રવિવારે સવારે -૦૦ વાગે પાર્વતીબેન જાગતા ઘરથી થોડે દૂર ડુમખલ ચૌધરી ફળિયા તરફ જતા રોડ ઉપર પોલીસની ગાડી અને ગામના સરપંચ રાકેશભાઈ વિગેરે ઉભેલા હોવાથી પાર્વતીબેન પોલીસ કેમ આવી ? તે જોવા માટે ગયા હતા. ત્યાં પોતાના પુત્ર કિશનની લાશ કોથળામાં વિંટાળેલી હાલતમાં હતી. કિશનને અજાણ્યા શખ્સોએ માથામાં કપાળના ભાગે કોઇ તીક્ષ્ણ હથિયારથી મોટો ઘા કરી દીધો હતો. બાદમાં માથાં ઉપર પ્લાસ્ટિકની કોથળી અને ગરમ ટોપી પહેરાવેલી હતી. પોલીસે હત્યા કરનારાની શોધખોળ હાથ ધરી છે

(5:58 pm IST)