ગુજરાત
News of Monday, 22nd February 2021

બનાસકાંઠાના પાલનપુરમાં ઝડપાયુ 1.91 કરોડનું જબરૂ અનાજ કૌભાંડઃ ગોડાઉન મેનેજર સામે ફરિયાદ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરના અનાજ ગોડાઉનમાં ગરીબ અને રાશન કાર્ડ ધારકોને આપવાની જગ્યાએ ખાનગી બજારમાં અનાજ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગોડાઉનના મેનેજર નાગજીભાઈ રોત અને તેમના પુત્ર કન્હૈયાલાલ રોત પર 1.91 કરોડ રૂપિયાના અનાજની ઉચાપત કરવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે જિલ્લા પૂરવઠા અધિકારી એસએસ ચાવડાએ ફરિયાદ દાખલ કરાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોડાઉનના મેનેજર નાગજી રોત અને તેમના પુત્ર કન્હૈયા પર ગોડાઉનના અનાજને બારોબાર સગેવગે કરવાનો આરોપ લાગ્યો હતો. વિભાગીય ટીમે તપાસ કરતાં આ આરોપ સાચા ઠર્યા હતા. જેમાં 50 કિલો વજનની 12,776 બોરી ઘઉ અને 2472 બોરી ચોખા ઓછા મળી આવ્યા હતા. જેની કિંમત 1.91 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

આ મામલે પૂરવઠા વિભાગે બે હજાર પેજનો રિપોર્ટ તૈયાર કરાવ્યો છે. જે અંતર્ગત ડેટા, જીપીએસ ટ્રેકર રિપોર્ટ, પંચનામું સહિત અલગ-અલગ કર્મચારીઓ અને શ્રમિકોના નિવેદન સામેલ છે. જો કે તપાસ દરમિયાન જ 15 દિવસ પહેલા જ ગોડાઉનમાં કામ કરી રહેલા જૂના મજૂરોનું ગ્રુપ પોતાના ગામે પરત ફર્યુ અને પછી નવા મજૂરોને કામ પર લેવામાં આવ્યા છે.

એવું મનાય છે કે, જૂના શ્રમિકો આ કૌભાંડના મોટા સાક્ષી હોવાથી તેમને પરત મોકલી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે તપાસમાં અડચણ ઉભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્રએ મજૂરોના કોન્ટ્રાક્ટરની શોધખોળ માટે ચક્ર ગતિમાન કર્યા છે.

કેવી રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?

કેન્દ્ર સરકાર તરફથી મોકલવામાં આવતા અનાજનો જથ્થો ટ્રેન થકી પાલનપુર રેલવે સ્ટેશન પર પહોંચાડવામાં આવે છે. જ્યાંથી પાલનપુરના માનસરોવર સ્થિત FCIના ગોડાઉનમાં મજૂરોની મદદથી મોકલવામાં આવે છે. જે બાદ ટ્રક મારફતે અલગ-અલગ જગ્યા માટે રવાના કરવામાં આવે છે.

પહેલા લેબર કોન્ટ્રાક્ટર ડાયરી તૈયાર કરીને ઓનલાઈન ગેટ પાસ થકી નક્કી કરેલી જગ્યા પર મોકલે છે. એવું કહેવાય છે કે, આ ટ્રકોમાંથી કેટલીક બોરીઓ રસ્તામાં ઉતારીને ખાનગી વાહનો થકી અન્યત્ર મોકલવામાં આવતી હતી. જે બાદ તેનું પેકિંગ બદલીને તેને અન્ય બજારમાં વેચી દેવામાં આવતી હતી.

(5:54 pm IST)