ગુજરાત
News of Monday, 22nd February 2021

પાટણમાં ભાજપના મંત્રીનો ભગોઃ કોંગ્રેસને મત આપવા કરી દીધી અપીલ

પાટણ: રવિવારે 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે આગામી 28 ફેબ્રુઆરીએ રાજ્યમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે રાજકીય પક્ષો દ્રારા પૂરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ દરમિયાન કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પાટણના ધધાણામાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. ચૂંટણી દરમિયાન તેમણે જબરો ભાંગરો હતો. તેમના આ વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ થયો છે.

પાટણના ધધાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે કહ્યું હતું કે ક્યાંય ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધશો તો મા વરાણા વાળી ખોડિયાર માફ નહીં કરે. બંને કમળના ઉમેદવારો ને મત આપો, નહિ તો કોંગ્રેસને મત આપજો. આમ ભર સભામાં મંત્રી દિલીપ ઠાકોરે કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી.

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની કોંગ્રેસને મત આપવાની અપીલથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમના આ બફાટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની આ સભામાં અલ્પેશ ઠાકોર પણ હાજર હતા.

(5:29 pm IST)