ગુજરાત
News of Monday, 22nd February 2021

નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલે અચાનક રાજીનામુ આપી દેતા અનેક અટકળો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલે પોતાના હોદ્દા અને કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામુ આપતા અનેક અટકળો સાંભળવા મળી રહી છે.
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો રંગ જામ્યો છે.આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, બિટીપી એમ ત્રિપાંખીયો જંગ જામશે ત્યારે નિકુંજ પટેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું મોકલતા નર્મદા જિલ્લા કોંગ્રેસને એક મોટો ફકટો પડ્યો છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે ભૂતકાળમાં પાટીદાર આંદોલને સરકારની ઊંઘ હરામ કરી દીધી હતી, નર્મદા જિલ્લામાં નિકુંજ પટેલે જે તે વખતે પાટીદાર અનામત આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.જેને પગલે કોંગ્રેસે એમને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકેનું મહત્વનું પદ આપ્યું હતું, નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં પણ ભાજપનો સફાયો થયો હતો.
નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામુ આપનાર નિકુંજ પટેલ નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાના અંગત વ્યક્તિ પૈકીના એક હતા.નર્મદા જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસની તમામ કામગીરીમાં નિકુંજ પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારે ફોર્મ ભરાયા બાદ એવું તો શું થયું કે એમણે પક્ષ છોડવાનો વારો આવ્યો.ચર્ચાઓ તો એવી પણ છે કે કોંગ્રેસ સંગઠનથી તેઓ ટિકિટ વહેચણી બાદ નારાજ ચાલી રહ્યા હતા એ જ કારણે એમણે રાજીનામુ ધર્યુ હશે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામાંનો પત્ર નિકુંજ પટેલે કોંગ્રેસના પ્રદેશ નેતાઓને મોકલી આપ્યો હતો.એ બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પોતે નિકુંજ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પોતે કેમ રાજીનામુ આપ્યું એ બાબતે નિકુંજ પટેલે અમિત ચાવડા સાથે સ્પષ્ટતા પણ કરી હતી.અમિત ચાવડાના મનાવવા છતાં નિકુંજ પટેલ રાજીનામું પરત ખેંચવા એક ના બે થયા ન હતા.

(10:13 pm IST)