ગુજરાત
News of Tuesday, 30th June 2020

ખોટી સહીઓથી ૧૪ લાખથી વધુની ઉચાપત કરનાર જબ્બે

હોલિવૂડની ફિલ્મોનું આંધળુ અનુકરણ : આરોપીએ ૨૦થી વધુ ગુનાને અંજામ આપ્યો : બાપ અને પુત્ર ભેગા મળીને ગુનાખોરી આચરતા હતા : બાપ ફરાર

અમદાવાદ,તા.૨૯ : હોલિવુડની કેચ મી ઇફ યુ કેન નામની ફિલ્મની પ્રેરણા લઈને એકાઉન્ટ તરીકે નોકરી કરી અસંખ્ય ગુન્હાઓ કરી ફરાર આરોપીને આખરે ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી અમદાવાદ શહેર નારોલમાં આવેલ કોઠારી પેપર્સ નામની કંપનીમાં એકાઉન્ટ તરીકે નોકરી કરતો હતો. ત્યારથી તેને ચેકબુકમાંથી ચેક ચોરી કરી માલિકની સહી કરી કંપનીનો સિક્કો મારી આરોપીએ પોતાના બેન્કના ખાતામાં ૧૪,૭૮,૦૦૦નો ચેક ક્લીયરીંગ કરાવી છેતરપીડી કરી હતી જે અનુસંધાને તેના માલિકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી.  આરોપીનું મુળ વતન રાજસ્થાન હોવાથી રાજસ્થાનમાં વોચ રાખી હતી. ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે, આરોપી અમદાવાદના ચાંગોદર જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં એકાઉટન્ટ તરીકે ઈન્ટરવ્યૂ આપવા જતો હતો તે અનુસંધાને ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ રાખીને સનાથળ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો.

             આરોપીની પુછપરછ કરતા જણાવ્યુ હતું કે, આરોપી અને તેના પિતાએ ફિલ્મ જોઈને ચેકથી છીતરપીડીં કરી રૂપિયા મેળવવાનું નક્કી કર્યું હતું. આરોપી તેની પિતા સાથે મળીને એકાઉન્ટ ઓડીટીંગનું કામ જાણી લીધું હતું. પકડાયેલ આરોપીએ પોતાના તથા પોતાના પિતાના આધાર કાર્ડ અને પાન કાર્ડ આધારે કોમ્પ્યુટરમાં પેઈન્ટ સોફટવેરમાં જુદા જુદા નામ-સરનામાવાળા ડુપ્લીકેટ આધાર  કાર્ડ અને પાન કાર્ડ બનાવ્યા હતા. ત્યારબાદ ડોક્યુમેન્ટસના આધારે અમદાવાદ, બરોડા, જયપુર ખાતેની જુદી જુદી બેંકમાં એકાઉન્ટ ખોલાવેલ અને જુદા જુદા સિમકાર્ડ તથા મોબાઈલ ફોન ખરીદ્યા હતા. વર્ષ ૨૦૧૬થી આજદિન સુધી જયપુર શહેર અને બરોડા શહેર તથા અમદાવાદ શહેરમાં આવેલ જુદી જુદી કંપનીઓ તથાી શો-રૂમ અને વેપારીઓ સાથે ૨૦થી વધુ છેતરપીંડી કરી હોવાનું આરોપીએ જણાવ્યું હતું. આરોપી અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષા સારી રીતે જાણે છે. આરોપી ન્યૂઝ પેપરોમાં આવતી નોકરીની જાહેરાત વાંચીને ઈન્ટરવ્યૂ આપવા જતો હતો.

(10:11 pm IST)