ગુજરાત
News of Friday, 22nd May 2020

મોડીરાત્રે સુરતમાં માથાભારે ફાઇનાન્સર દ્વારા યુવક પર ફાયરિંગ : વહેલી સવારે ઉધનામાં યુવકની કરપીણ હત્યા

કરફ્યુ અને લોકડાઉન વચ્ચે હત્યા સહિત ફાયરિંગની ઘટનાને લઈ ભારે ચકચાર મચી

સુરત :લોકડાઉનમાં હાલ માંડ માંડ જનજીવન બે મહિના બાદ ધબકતુ થયું છે. ત્યારે સુરતામાં ગઈકાલે રાત્રે ફાયરિંગ અને આજે સવારે હત્યાનો બનાવ બન્યો છે. લોકડાઉન ખૂલતા જ સુરતમાં ક્રાઈમની ઘટનાઓ પણ શરૂ થઈ છે 24 કલાકમાં સુરતમાં બે ગુના આચરવામા આવ્યા છે. સુરતમાં ગઈકાલે રાત્રે માથાભારે ફાઈનાન્સર દ્વારા યુવક પર ફાયરિંગ કરાયું હતું. જયારે ઉઘના વિસ્તારમાં વહેલી સવારે યુવકની હત્યા કરવામાં આવી છે.

સુરતમાં ગઈકાલે રાત્રે માથાભારે ફાઈનાન્સર દ્વારા યુવક પર મોડી રાત્રે ફાયરિંગ કરાયું છે. સુરતમાં સાંજે 7 વાગ્યે કરફ્યુ લાગ્યા બાદ ફાયરિંગની ઘટના બની હતી. રાહુલસિંહ નામના યુવક પર ફાયરિંગ કરાતા તો ઇજાગ્રસ્ત થયો હતો. માથાભારે ફાઈનાન્સર લાલી ઉર્ફે ધર્મેન્દ્રસિંહે યુવકને પગના ભાગે ગોળી મારી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોત. ત્યારે જૂની અદાવતમાં ફાયરિંગ કર્યાની ચર્ચા ચાલી રહી છે. લાલી અને તેના માણસો દ્વારા નરેન્દ્રસિંહ સહિત તેના મિત્રને ફોન કરી બોલાવવામાં આવ્યા હોવાના આરોપ મૂકાયો છે. લાલી અને તેના માણસો દારૂની મજા માણી રહ્યા હતા અને ત્યારબાદ મારામારી શરૂ કરી દીધી હતી. પોલીસે લાલીના ચાર જેટલા માણસોની અટકાયત કરી છે.

સુરતમાં ફાયરિંગની ઘટના બાદ આજે વહેલી સવારે હત્યાનો બનાવ બન્યો છે. ઉધના વિસ્તારમાં વહેલી સવારે હત્યાના બનાવથી ચકચાર મચી હતી. 24 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. બાબુ પાવર નામના યુવકને અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો હોત. કરફ્યુ અને લોકડાઉન વચ્ચે હત્યા સહિત ફાયરિંગની ઘટનાને લઈ ભારે ચકચાર મચી છે. લોકડાઉનમાં થયેલી હત્યાના પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

(12:26 pm IST)