ગુજરાત
News of Thursday, 26th March 2020

શાકભાજીનાં ભાવ વધ્યાઃ કરિયાણાની અનેક દુકાનોમાં માલ ખાલીઃ લોટ દળાવવા લાઇનોઃ ગૃહિણીઓની દોડાદોડી

મિનરલ વોટરના પ્લાન્ટ બંધ રહેતા અનેક લોકોની મુશ્કેલી : ખાનગી ડોકટરોએ દવાખાના-કલીનીક બંધ રાખતા દર્દીઓ હેરાન-પરેશાન

અમદાવાદ, તા.૨૬: કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા માટે વડાપ્રધાન દ્વારા ૨૧ દિવસ લોકડાઉનકરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને શાકભાજી ખરીદવા માટે મંગળવારે મોડી રાત્રિથી ચાલુ કર્યુ હતુ. આજે પણ કરિયાણા, દૂધની ડેરી અને શાકભાજીની ખરીદી કરવા માટે લોકો બહાર નીકળ્યા હતા. શાકભાજીની અછત ઉભી થશે તેવી દહેશતના પગલે ટામેટા, બટાકા, ડુંગળી અને લીલા શાકભાજીના ભાવોમાં ત્રણ ગણો વધારો થઈ ગયો છે. તો કરિયાણાની દુકાનોમાંથી બિસ્કિટો, મેગી, બેકરીની આઈટમો, મમરા, પોપકોર્ન, પૌંઆ સહિતના પેકેટો ખાલીખમ થઈ ગયા છે. કરિયાણાના વેપારી જણાવી રહ્યાં છે, મોટા વાહનો આવી શકતા નહી હોવાથી છુટક બજારમાં બિસ્કિટો, મેગી સહિતની વસ્તુઓની અછત ઊભી થઈ છે. સામાન્ય દિવસોમાં ટામેટા રૂ.૧૫ કિલો હતા જે વધીને રૂ.૬૦ કિલો થઈ ગયા છે. જયારે બટાકા રૂ.૨૦ થી ૨૫ કિલો હતા જે વધીને રૂ.૪૦ થી ૪૫ કિલો થઈ ગયા છે. ડુંગળી રૂ.૪૦ થી વધીને રૂ.૬૦ કિલો થઈ ગઈ છે. મરચા રૂ.૯૦ કિલો, ગાજર રૂ. ૭૦ કિલો, કાકડી રૂ.૧૦૦ કિલો, વટાણા રૂ.૧૦૦ કિલો અને લીલા શાકભાજી સામાન્ય દિવસોમાં રૂ.૪૦ કિલો હતા જે વધીને રૂ.૮૫ થી ૧૨૦ કિલો થઈ ગયા છે. એમાંય ફેરિયા વિસ્તાર પ્રમાણે ભાવો લઈ રહ્યા છે.

આ ભાવ વધવા પાછળનું કારણ સવારમાં શાકભાજી લેવા જતા ગુડઝ વાહનોને શહેરમાં આવવા દેવામાં આવતા નથી અને રિક્ષાના ભાડામાં મનફાવે તે પ્રમાણે વધારો કરી દીધો હતો. જેના લીધે શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ પણ મનફાવે તેવા ભાવો લેવાનું ચાલુ કર્યુ છે. ત્યાં સોસાયટીના સંચાલકોએ કોરોના વાઈરસના પ્રસારના ડરના લીધે સોસાયટીના વિસ્તાર કે પ્રાંગણમાં શાકભાજી વેચનારાઓને આવવાની મંજૂરી આપી ન હતી. જેના લીધે શાકભાજી અને ફ્ળોના વેપારીઓએ સોસાયટી બહારના રસ્તા પર લારીઓ રાખી હતી અને શાકભાજી વેચી રહ્યા છે.

દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરતાં લોકોની પ્રાથમિક જરૂરિયાત છે તેવી ચીજ-વસ્તુઓની અછત શરૂ થવા લાગી છે. અમદાવાદ સહિત રાજયના શહેરોમાં લોકો મિનરલ વોટર પીવાનું પસંદર કરે છે. પરંતુ અમદાવાદ શહેરમાં મિનર વોટના પ્લાન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યાં હોવાનું પાણી સપ્લાય કરવા વાળા લોકો જણાવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, અમે સોસાયટીની બહારથી પાણીની બોટલો આપવાનુ નક્કી કર્યું હતું. પરંતુ પ્લાન્ટ પર બોટલો ભરવા ગયા તો ખબર પડી કે, પાણીની પ્લાન્ટ જ બંધ કરી દેવામાં આવ્યાં છે. જેથી અનેક સોસાયટીમાં લોકો મિનરલ વોટર વિના બૂમાબૂમ કરી રહ્યાં છે.

શહેરના કેટલાક મોલમાં સવારે ટોકન આપીને ગ્રાહકોને આવતીકાલે આવવા જણાવ્યું હતું. જેના પગલે ગ્રાહકોને મોલના અધિકારીઓ સાથે બોલાચાલી થઈ હતી. તો કેટલાક ગ્રાહકોએ મોલ સામે કોર્પોરેશન અને પોલીસને જાણ કરી હતી. બીજી તરફ મોલના અધિકારીએ જણાવ્યું હતુ કે, આજે પુરતા ટોકન આપવામાં આવ્યા હતા. વધુ ગ્રાહકો એકઠા થાય તો અંધાધૂંધી ફેલાય તેમ હોવાથી ટોકન આપવાનું બંધ કર્યુ છે. અમારા મોલમાં પુરતો સ્ટોક છે પરંતુ સ્ટાફ ઓછો છે તેને ટોકન અપાયા નહોતા.

શહેરના કેટલાક વિસ્તારોમાં આજે દૂધની થેલી મળી નહોતી. જેના લીધે લોકોેને ત્રણ થી ચાર કિલો મીટર સુધી દૂધ માટે ફાંફા મારવા પડયા હતા. જો કે કેટલાકે તેમના સગાને ફોન કહીને પુછયું હતુ કે તમારે દૂધ આવ્યું છે કે કેમ? આમ શહેરના કેટલાક વિસ્તારોમાં દૂધ મળ્યું નહોતુ.

સોસાયટીમાં કચરાંના ઢગલા થઈ ગયા ફુ શહેરની મોટાભાગની સોસાયટીઓમાં કચરા ઉપાડવાની ગાડીઓ બંધ કરી દેવામાં આવતા કચરાંના ઢગલા થઈ ગયા છે. પાલડી સહિતની સોસાયટીમાં છેલ્લા ચારેક દિવસથી કચરાં ઉપાડવાની ગાડીઓ બંધ કરી દેવામાં આવી છે. જેના લીધે કચરાંના ઢગલા થતા કેટલીક સોસાયટીમાં પૈસા આપીને કચરો ઉપાડવામાં આવ્યો હતો. જયારે કેટલીક સોસાયટીમાં કચરાંના ઢગલા થતા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.

કોરોના વાઈરસના કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૪મી એપ્રિલ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આવશ્યક છે તેવી તમામ ચીજ-વસ્તુઓ અને સેવાઓ કાર્યરત રાખવાનું જણાવ્યું છે. જોકે આવશ્યક હોવા છતા અમદાવાદ સહિત રાજયની અનેક ખાનગી હોસ્પિટલો કે ડોકટરોની પોતાની માલિકીની છે તે બંધ રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આવી હોસ્પિટલો બંધ રહેતા નાગરિકોને પારાવાર મૂશ્કેલી પડી રહી છે. કારણ કેસ હાલમાં કોરોના વાઈરસના કારણે સામાન્ય કોઈ બીમારી હોય તો લોકો પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનુ પસંદ કરે છે પરંતુ આવી ખાનગી હોસ્પિટલો બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. લોકડાઉનના ભાગરૂપે સરકારે જાહેરાત કરી છે કે, શાકભાજી, ફ્રૂટ, દૂધ, પાણીના જગ, અનાજ -કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર્સ, પેટ્રોલ-ડીઝલ- સીએનજી પંપોે, ગેસના બોટલો, શહેરમાં ખાનગી પ્રેકિટસ કરતા તમામ મેડિકલ કિલનિક, હોમિયોપેથિક દવાખાના, આર્યુવેદિક દવાખાના, ખાનગી હોસ્પિટલો વિગેરે વધુ સમય માટે કાર્યરત રહે તેની વ્યવસ્થા કરાશે. ખાનગી હોસ્પિટલો બંધ રાખવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

ઘરમાં ઘઉં, જુવાર કે બાજરીનો લોટ ખૂટી જશે તો શું થશે એવા કોરોનાના ભયને કારણે મહિલાઓ ઘઉંના ડબ્બાઓ ભરીને દળાવવા માટે અનાજની ઘંટીઓ પર ભીડ જમાવી દીધી હતી. આ ભીડ એવી જામી હતી કે, પાંચ મિનિટના કામ માટે મહિલાઓને ઓછામાં ઓછો અડધો કલાક તો અનાજની ઘંટીએ ઊભા રહીને ગાળવો જ પડયો હતો. એટલું જ નહી લાંબી લાંબી કતારો ઓછી કરવા માટે ઘંટીના માલિકોએ પોતાના ગ્રાહકોને અલગ અલગ સમય પણ ફાળવ્યો હતો..જાવ બહેન બપોર બાદ બે વાગે આવજો, ત્રણ કે ચાર વાગે આવજો, આપણી ઘંટી સાંજે પાંચ વાગે બંધ કરવાની છે હોં ! મહિલાઓએ પણ આ વિનંતીનો સ્વીકાર કર્યો હતો.

મહિલાઓએ ઘઉં, જુવાર, બાજરી સાથે ચોખાની કણકી, ભાખરીનો લોટ અને ચણાનો લોટ દળાવ્યો હતો. કેટલાંક ઘંટીવાળાનો ઘઉંનો લોટ ખરીદવા માટે પણ કેટલીયે મહિલાઓએ ભારે માગ કરી હતી, પરંતુ પાંચ કિલોથી વધુ લોટ કોઈને નહીં મળે એમ કહી પાંચ-પાંચ કિલો લોટ દ્વારા ઘણા બધા ગ્રાહકો સાચવ્યા હતા.

(10:21 am IST)