ગુજરાત
News of Wednesday, 25th March 2020

હવે સેવાભાવી લોકો દ્વારા ફુડપેકેટ્સનું વિતરણ શરૂ

અમદાવાદ સહિત રાજ્યમાં માનવતાના દ્રશ્યો : ગરીબો અને શ્રમજીવી લોકોને ફુટપેકેટ્સ આપીને પેટની ભૂખ સંતોષાતા ગરીબના ચહેરા પર ખુશીની લહેર દેખાઈ

અમદાવાદ,તા. ૨૫ :  કોરોનાના કહેરના કારણે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉનના કારણે વેપાર ધંધા બંધ થઈ ગયા છે. રોજ કમાઈ અને રોજ ખાવાવાળો વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામા આવી છે. તમામ ૪૮ વોર્ડમાં જેટની ટીમ અને અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સહિતની અલગ અલગ ટીમો વિસ્તારમાં ફરી અને ગરીબો અને રોજનું ખાનારા લોકોને ફૂડ પેકેટ પોહચાડી રહ્યા છે. રોજેરોજ ૨૦૦૦થી વધુ ફૂડ પેકેટ અને નાસ્તો અલગ અલગ વિસ્તારમાં પોહચાડવામાં આવી રહ્યો છે. તો સાથે સાથે પોલીસ અને સેવાભાવી લોકો પણ અમદાવાદ શહેર, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજયભરમાં ગરીબો, શ્રમજીવીઓ અને ભૂખ્યા જરૂરિયાતમંદોને ફુટપેકેટ્સ અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે આ સેવા કાર્યમાં આગળ આવ્યા છે. પોલીસ, જેટની ટીમ અને સેવાભાવી લોકોની આ સેવાથી ગરીબો, રોજેરોજ પેટિયુ રળતા શ્રમજીવીઓને ફુટપેકેટ્સ આપી પેટની ભૂખ સંતોષાતા મહિલા-બાળકોના ચહેરા પર ખુશી છવાઇ હતી.

            સમગ્ર દેશમાં આજથી ૨૧ દિવસ લોકડાઉનની જાહેરાતમાં વડાપ્રધાન મોદીએ સોશિયલ ડિસ્ટનસ એટલે એકબીજાથી દૂર રહેવા કહ્યું હતું. ચીજ વસ્તુઓ લેવા જતી વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરવામાં આવી છે જેનો અમલ અમદાવાદ સહિત રાજયભરમાં શરૂ થઈ ગયો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં દુકાનદારોએ દુકાનની બહાર ચોક્કસ અંતરે ગોળ કુંડાળા બનાવ્યા છે. પાંચ ફૂટ દૂર કુંડાળા બનાવી વસ્તુ લેવા ઉભા રહેવા લોકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરભરમાં દવા, કરીયાણું અને દૂધની દુકાનો બહાર આવા કુંડાળા જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ આનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ મેડિકલ સ્ટોર ખાતે પણ દુકાનદારો નાગરિકોને લોકોને એક-એક મીટરનું અંતર જાળવી ઉભા રહેવા વિનંતી કરતાં જોવા મળ્યા હતા અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવતા હતા. રાજયના બીજા શહેરોમાં પણ કંઇક આવા દ્રશ્યો સામે આવ્યા હતા.

                તો, શાકભાજી લેવા માટે જમાલપુર સહિતની માર્કેટમાં ભીડ ન થાય તે માટે એલિસબ્રિજ, ગુજરીબજાર, રિવરફ્રન્ટ પર શાકભાજીના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડભાડ ન થાય તે માટે ખુલ્લી જગ્યામા ડિસ્ટન્સ રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. જમાલપુર બ્રિજ નીચેથી શાક માર્કેટ ભીડભાડના કારણે સંપૂર્ણ બંધ કરાવી રિવરફ્રન્ટ ગુર્જરી બજારમા શરૂ કરવામાં આવ્યું છે. વેપારીઓને પણ ૫થી ૧૦ ફૂટ જેટલા દૂર રાખવામાં આવ્યા છે. બીજીબાજુ, હાલમાં અમદાવાદની સોસાયટીઓ તેમજ અન્ય એરિયાઓમાં શાકભાજીની લારીઓ આવવાની મનાઈ છે. ત્યારે માર્કેટમાંથી સોસાયટી સુધી શાકભાજી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટના ભાડા પણ ત્રણ ગણા વધી ગયા છે. બટાકા,ટામેટા સહિતની શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારા પાછળ મુખ્ય કારણ ગુડઝ વાહનો છે. કારણ કે શાકભાજી લાવતી રિક્ષા સહિતના ભાડામાં પણ બેથી ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. જેને લઇ લોકોએ ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.

(10:03 pm IST)