ગુજરાત
News of Wednesday, 25th March 2020

નર્મદામાં લોકડાઉન ઇફેક્ટ : ધંધા અર્થે ગયેલા કેટલાક લોકો ફસાયા,સુરતથી પગપાળા વતન આવવા નીકળ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોનાના કેહેર વચ્ચે હાલ દેશના લોકો જીવી રહ્યા છે.પીએમ મોદીએ આગામી 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે.આજ કારણે વાહન વ્યવહાર પણ બંધ થયો છે.દેશમાં એસટી બસોના પૈડાં થંભી ગયા છે, ડેપો સુમસાન થઈ ગયા છે.આવા સમય ગાળામાં છોટાઉદેપુરના આદિવાસીઓ ધંધા-રોજ ગાર અર્થે સુરત ખાતે ગયા હતા, અચાનક લોકડાઉન જાહેર થતા એમને રજા આપી દેવાઈ હતી.બાદ એમને પોતાના વતન આવવા કોઈ વાહન ન મળતા સુરતથી ચાલતા આવવા નીકળ્યા હતા.

 છોટાઉદેપુરના આદિવાસીઓ થોડા દિવસ અગાઉ સુરત ખાતે ધંધા રોજગાર અને મજૂરી અર્થે ગયા હતા.કોરોનાને કારણે ભારત સરકારે અચાનક સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું.દરમિયાન તેઓ જે જગ્યાએ મજૂરી કરતા હતા ત્યાંથી તેમને રજા આપી દેવાઈ હતી.આ પરિવારના સભ્યો પોતાના વતન છોટાઉદેપુર આવવા માટે હાઇવે પર આવ્યા તો ખરા પણ કોઈ જ વાહન ન મળ્યું.એમણે મનોમન ચાલતા જ આવવાનું નક્કી કર્યું.તેઓ સુરતથી 120 કિમીનું અંતર ચાલતા કાપી રાજપીપળા આવી પહોંચ્યા હતા. જેથી તેમના પગે છાલા પણ પડી ગયા હતા.

 તેમણે એવી આશંકા વ્યક્ત કરી હતી કે લગભગ 100 થી વધુ કુટુંબો આ રીતે પગપાળા સુરતથી છોટાઉદેપુર તરફ જઈ રહ્યા છે. રાજપીપળાથી છોટાઉદેપુર જવા માટે હજુ બીજા 140 કિમીનું અંતર કાપવાનું બાકી છે ત્યારે આટલા કિમિ ચાલવું એમના માટે ઘણું મુશ્કેલ થઈ પડ્યું છે.આ પરિવાર સાથે નાના નાના બાળકો પણ છે ત્યારે છોટાઉદેપુર સુધી જવા તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે એવી તેઓ માંગ કરી રહ્યા છે.

(8:16 pm IST)