ગુજરાત
News of Wednesday, 25th March 2020

નર્મદામાં કોરોના વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં ગરીબોની કપરી હાલત : નાંદોદ તાલુકાના કેટલાક ગામોમાં સસ્તા અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ પરિવારોની કફોડી હાલત

દુકાનદારો પાસે એડવાન્સ પરમીટના રૂપિયા લેવાય છે છતાં મહિનાની અંતિમ તારીખ સુધી અનાજ ન પહોંચતા કાર્ડ ધારકો ધક્કે ચઢ્યા :રાજપીપળા સહિત કેટલાક ગામોમાં માર્ચ મહિનામાં કાર્ડ પર મળતા મીઠાનો જથ્થો પણ નથી મળ્યો.:શહેરાવ ગામની આસપાસના વિસ્તારના મજૂરીયાત વર્ગના પરિવારોને ભૂખે મરવાની નોબત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોનામાં સલામતીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ લોકડાઉન જાહેર કરાયું હોય ગ્રામ્ય વિસ્તારમાંથી રાજપીપળા કે આસપાસના વિસ્તારમાં જવાનું લોકો ટાળે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોની કેટલીક સસ્તા અનાજની દુકાનો માં આજે ૨૫ તારીખ થવા છતાં પુરવઠાનો જથ્થો હજુ સુધી ન પહોંચતા મજૂર વર્ગની હાલત બગડી છે.સાથે કેટલીક દુકાનોમાં મીઠાનો જથ્થો પણ ન મળતા દુકાનદારોના ભરેલા રૂપિયા પણ પરત મળતા નથી તેવી બુમ ઉઠી છે.

 એક તરફ રોજ મજૂરી કામ કરી પેટીયું રડતા પરિવારોનું હાલ કામ બંધ હોય ત્યારે બીજી તરફ સસ્તા અનાજની દુકાનમાં જથ્થો ન આવતા કાર્ડ પર મળતું અનાજ આજદિન સુધી ન મળતા નાંદોદના શહેરાવ ગામની આસપાસના વિસ્તારના મજૂરીયાત વર્ગના પરિવારોને ભૂખે મરવાની નોબત આવી છે.આમ તો પુરવઠા ગોડાઉન પર રોજ અનાજની ટ્રકો આવતી હોય છે છતાં કેટલાક ગામમાં હજુ અનાજ કેમ નથી પહોંચી શક્યું એ તપાસનો વિષય છે

  .સરકાર લોકડાઉન માં અનાજ શાકભાજી જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓ બાબતે ખાસ તકેદારી રાખવાની વાત કરે છે પરંતુ નર્મદા જિલ્લામાં આ વાતો ફક્ત કાગળ પર હોય એમ લાગી રહ્યું છે. હાલ નાંદોદ તાલુકાના આવા કેટલાક ગામોના લોકોને ખાવા માટે અનાજ નથી માટે આ બાબતે યોગ્ય પગલાં લેવાય અને વહેલી તકે જથ્થો મળે તેવી માંગ છે.

 બે મહિનાથી રેશનકાર્ડ પર મળતા બોઇલ ચોખા પક્ષીઓ પણ ખાતા નથી છતાં કાર્ડ ધરાવતા વ્યક્તિઓ ન છૂટકે આ ચોખા લે છે પરંતુ ખાઈ શકતા નથી માટે તેમને બજાર માંથી મોંઘા ચોખા ખરીદવા મજબૂર થવું પડે છે.ત્યારે સરકાર નર્મદા જેવા પછાત જિલ્લામાં પુરવઠાનો જથ્થો સમયસર પહોંચે તેવી વ્યવસ્થા કરે એ જરૂરી છે.

(8:10 pm IST)