ગુજરાત
News of Wednesday, 25th March 2020

મોડાસામાં લોક ડાઉન બાદ વસ્તુઓ પર વધુ ભાવ લેવાની ફરિયાદથી 6 દુકાનોની તંત્રએ તપાસ લીધી

મોડાસા:સમગ્ર અરવલ્લી જિલ્લામાં લોક ડાઉન જાહેર કરાતાં જ આવશ્યક ચીજ વસ્તઓ સિવાયના વેપાર ધંધા ઉપર રોક લગાવી દેવાઈ છે.સતત ત્રીજા દિવસે પણ મોડાસા સહિત જિલ્લાના બજારો સંદ્દતર બંધ રહયા હતા.જયારે કેટલાક કરીયાણાના વેપારીઓ હાલની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી ગ્રાહકો પાસે થી વધુ નાણાં ખંખેરી રહયા હોવાની ફરીયાદ ને પગલે મોડાસામાં જુદાજુદા 6 સ્થળોએ તંત્ર એ દરોડા પાડી જરૂરી તપાસ હાથ ધરી હતી.જો કે આ તપાસણીમાં કંઈ વાંધાજનક મળ્યું ન હોવાનું મોડાસા મામલતદારે જણાવ્યું હતું.પરંતુ તંત્ર દ્વારા વેપારીઓને ગ્રાહકોની મજબૂરી નો ગેરલાભ ન ઉઠાવવા તાકીદ કરાઈ હતી.

મોડાસામાં કેટલાક વેપારીઓ ઉંચા ભાવ લઈ ગ્રાહકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી રહયા હોવાની ફરીયાદના પગલે મોડાસાના મામલતદાર અરૂણ ગઢવી સહિત ની ટીમ દ્વારા મંગળવારના રોજ નગરના યાર્ડમાં આવેલ કેટલીક દુકાનો સહિત આસપાસના વિસ્તારની છ દુકાનોમાં રેડ કરી તપાસણી હાથ ધરાઈ હતી.જોકે તપાસણી દરમ્યાન કંઈ વાંધાજનક ન જણાઈ આવ્યું હોવાનું મામલતદારે જણાવ્યું હતું.મોડાસા મામલતદાર અરૃણ ગઢવી ના જણાવ્યા મુજબ હાલની મહામારી ની પરિસ્થિતિને લઈ ગ્રાહકો ની મજબૂરીનો ગેરલાભ નહી ઉઠાવવા અને સમય ઓળખી ભાવ કરતા રૂ.ઓછો લઈ મદદની ભાવના કેળવવા અને કાયમી ઘરાકી બંધાય તેવું વર્તન કરવા વેપારીઓને આગ્રહભરી અપીલ કરાઈ હતી.

(5:24 pm IST)