ગુજરાત
News of Wednesday, 25th March 2020

સુરતમાં લૉકડાઉન વચ્ચે પણ મોટી સંખ્યામાં દારૂડીયાઓ દારૂના અડ્ડા પર આવતા હંગામો

બૂટલેગરે સ્થાનિક લોકો સાથે ઝઘડો કર્યો: સ્થાનિકોએ દારૂના અડ્ડા બંધ કરાવ્યા

સુરત : કોરોના વાયરસને કારણે ચારેતરફ હાહાકાર મચી ગયો છે. બીજી તરફ સુરતમાં દારૂના અડ્ડાપર મોટી સંખ્યામાં દારૂડીયાઓ એકઠા થયા હતા. આ વાતને લઇને લોકોએ હંગામો કર્યો હતો. બૂટલેગરને ત્યાં દારૂ પીવા લોકોની ભીડ લાગતા અન્ય લોકોએ હંગામો કર્યો હતો.

 

   કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે આખા દેશનું તંત્ર કામે લાગી ગયું છે. આ સંદર્ભે લૉકડાઉન જેવા પગલાં ભરવામાં આવ્યા છે. લૉકડાઉન વચ્ચે દારૂ પીવાની લત ધરાવતા લોકો સુરતના ઉન ગામ ખાતે દેશી દારૂ વેચતા બૂટલેગરોને ત્યાં પહોંચી ગયા હતા. આજ વિસ્તારમાં દેશી દારૂના આઠ જેટલા અડ્ડા આવેલા હોવાને લઇને લોકો બહારથી મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે.
  વિસ્તારમાં પરપ્રાંતિયો વધારે રહેતા હોવાથી દરરોજ જાણે દારૂ પીવા માટે મેળો લાગે તેવા દ્રશ્યો સામે આવે છે. કોરોનાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે સ્થાનિક લોકોમાં એવો ડર પેશી ગયો છે કે આ લોકો શહેરમાંથી વાયરસ લઈને તો નથી આવી રહ્યા ને? આથી દારૂ પીવા એકઠા થયેલા લોકો વિશે સ્થાનિકોએ સૌપહેલા પોલીસને જાણ કરી હતી.
   જોકે, પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો. બાદમાં બૂટલેગરે સ્થાનિક લોકો સાથે ઝઘડો કર્યો હતો. જોકે, સ્થાનિકોએ દારૂના અડ્ડા બંધ કરાવ્યા હતા. સ્થાનિકો અને બૂટલેગરો વચ્ચે હંગામા દરમિયાન થોડા સમય માટે અહીં વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે સરકાર કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે અનેક પગલાં લઈ રહી છે ત્યારે બૂટલેગરો લોકોને દારૂ પીવા માટે એકઠા કરે છે તે યોગ્ય નથી.

(12:10 am IST)