ગુજરાત
News of Tuesday, 13th August 2019

રાજયની નપાઓની ટાંકીઓ અંગે નિયામકે રિપોર્ટ માંગ્યો

જર્જરિત પાણીની ટાંકીઓનું રીપેરિંગ કરવા આદેશ : તમામ નગરપાલિકાઓમાં પાણીની ટાંકીની સ્થિતિ બાબતે રિજિયોનલ કમિશનરને રિપોર્ટ આપવા માટેનું ફરમાન

અમદાવાદ, તા.૧૩ : અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તૂટવાની ઘટનાને પગલે રાજયની નગરપાલિકા નિયામકે રાજ્યની તમામ નગર પાલિકાઓમાં પાણીની ટાંકીની સ્થિતિ બાબતે રિજિયોનલ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો છે. તેની સાથે સાથે જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકીઓનું ત્વરિત રીપેરિંગ કરવા આદેશ આપ્યો છે. એટલું જ નહી, જરૂર જણાય તો જર્જરિત પાણીની ટાંકીઓને દૂર કરવી અને જર્જિરત ટાંકીઓ અંગેનો રિપોર્ટ બે દિવસમાં આપવા માટે હુકમ કર્યોછે.

રાજયની નગરપાલિકા નિયામકના આ આદેશને પગલે રાજયની વિવિધ નગરપાલિકાના સત્તાધીશો તેમના વિસ્તારની જૂની ટાંકીઓની ફિઝિકલ સ્થિતિને લઇ દોડતા થઇ ગયા છે., જુદી જુદી નગરપાલિકા સત્તાધીશો દ્વારા સરકારમાં શું રિપોર્ટ રજૂ કરવો તે માટેની સલાહ માર્ગદર્શન મેળવી રહ્યા છે. તેની સાથે સાથે અમદાવાદ શહેરમાં ૨૦ વર્ષથી જૂની હોય એવી ૫૦થી વધુ પાણીની ટાંકીઓ આવેલી છે. જેનું ઈન્સપેક્શન કરી તેના સ્ટ્રક્ચરની ચકાસણી કરવામાં આવતી નથી. બીજી તરફ વર્ષ ૨૦૦૭માં એએમસીની હદમાં ભળેલી ૨૧ ગ્રામ પંચાયતનો અને ૭ નગરપાલિકાની ૧૦થી વધુ ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. આ અંગે એએમસીમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતુ કે, શહેરમાં ૨૦ વર્ષથી જૂની ૫૦થી વધુ પાણીની ટાંકીઓ છે. જ્યારે જુની ગ્રામ પંચાયત વખતની ૧૦થી વધુ ટાંકીઓ જર્જરિત હાલતમાં છે ત્યારે સત્તાધીશોએ સત્વરે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ નહી તો, બોપલ જેવી દુર્ઘટના સર્જાય અને નિર્દોષ નાગરિકો તેમાં ભોગ બને તો જવાબદારી કોની બનશે તે મોટો સવાલ છે.

(8:28 pm IST)