ગુજરાત
News of Tuesday, 13th August 2019

નડિયાદ તાલુકાના ચકલાસીમાં પાર્ક કરેલ કારનો કાચ તોડી તસ્કરોએ વાહન ચાલકને ધમકી આપતા પોલીસ ફરિયાદ

નડિયાદ: તાલુકાના ચકલાસી તાબે બેલંત્રીપુરામાં આવેલ પ્રાથમિક શાળા પાસે રામસિંહ શંકરભાઈ વાઘેલા રહે છે. ગતરોજ સાંજના સમયે તેમના ઘરે લાઈટ ન હોવાથી તેઓ લાઈન ઉપરના ઝાડો કાપવા માટે ગયાં હતાં. તે વખતે તેઓએ તેમની સ્વિફ્ટ ગાડી નં જીજે ૦૬ બીએલ ૪૬૮૩ને ટેમલીપુરા જવાના રોડ પર સાઈડમાં પાર્ક કરી હતી. તે વખતે કોઈ અજાણ્યો ઈસમ રામસિંહ વાઘેલાની ગાડીની આગળનો મેઈન કાચ તેમજ સાઈડ ગ્લાસ તોડી નાખી પથ્થર વડે ગાડીમાં ગોબો પાડી નુકસાન પહોચાડ્યું હતું. 

આની જાણ રામસિંહભાઈને થતાં તેઓએ આ કારસ્તાન કરનાર ઈસમની શોધખોળ હાથ ધરી હતી. તેઓએ આસપાસના લોકોની પૂછપરછ કરતાં આ ગાડીનો કાચ તોડવાનું કારસ્તાન ચકલાસી તાબે બિલીયાપુરા ગામમાં રહેતાં પ્રફુલભાઈ કાળીદાસ વાઘેલાએ કર્યુ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રામસિંહભાઈ તાત્કાલિક પ્રફુલભાઈ વાઘેલા પાસે જઈ તેને ગાડીનો કાચ તોડવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી પ્રફુલભાઈ વાઘેલા ઉશ્કેરાઈ જઈ રામસિંહભાઈને મારવા સામે થઈ ગયો હતો. અને રામસિંહભાઈને ગમેતેમ ગાળો બોલી તારી ગાડીની જે દશા થઈ છે તેમ તારી દશા થશે અને લાગ આવેથી તને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. 

 

(6:42 pm IST)