ગુજરાત
News of Tuesday, 13th August 2019

નડિયાદમાં 11 દિવસમાં પોલીસે બાતમીના આધારે 17 જુગારીઓને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી પાડ્યા

નડિયાદ: શહેરમાં રમાતા જુગાર અને પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનાના વિતેલા ૧૧ દિવસોમાં પોલીસ ચોપેડ ચાર કેસો નોંધાઇ ચૂક્યા છે. જેમાં જુગારના બે કેસ નડિયાદ ટાઉન પોલીસ મથકે તો બે કેસ પશ્ચિમ પોલીસ મથકમાં નોધાયા છે. તારીખ ૭ ઓગસ્ટના રોજ નડિયાદ ટાઉન પોલીસે ચાર જુગારીયાઓને જુગાર રમતા ઝડપ્યા હતા, જેમની પાસેથી ૨,૫૧૦ રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તા.૧૦ ઓગસ્ટના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસે પાચ જુગારીયાઓને ઝડપ્યા હતા, જેમની પાસેથી ૨,૫૨૦ રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે બાદ તા.૧૧ ઓગસ્ટના રોજ પણ નડિયાદ પશ્ચિમ પોલીસે ૨ જુગારીયાઓને ૩,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા આવા નાના નાના કેસો બતાવવાની કામગીરી હજુ તો ચાલી રહી હતી, ત્યા જ સ્ટેટ મોનિટરીંગ સેલે શહેરના કનીપુરા નાકા પાસે પત્તાપાનાનો જુગાર રમાડી રહેલા દિનેશ પ્રજાપતિ સહિત કુલ ૬ વ્યક્તિઓને ૨૭ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જોકે બીજા ઘણા જુગારીયા પોલીસને જોઇ ભાગી છુટ્યા હતા. નડિયાદ નગરીને સાક્ષરભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંની ભૂમિમાંથી સરદાર વલ્લભભાઇ પટેલ, ગોવર્ધનરામ ત્રીપાઠી, ઇન્દુલાલ યાજ્ઞીક જેવા સપુતોએ જન્મ લીધો છે. જેઓએ દેશ વિદેશમાં નડિયાદનું નામ રોશન કર્યુ છે. ત્યારે આ આ સકુનીઓ સાક્ષરભૂમિના યુવાધનને જુગાર અને દારૂના રવાડા તરફ આકર્ષીત કરી રહ્યા છે, જે એક ગંભીર બાબત છે. શહેરના બુધ્ધીજીવીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છેકે જો આ દારૂ-જુગારની વૃત્તિ પર લગામ લાવવામાં નહી આવે તો શાક્ષરભૂમિની આવનારી પેઢીઓ માટે ચિંતાનો વિષય છે. 

(6:45 pm IST)