ગુજરાત
News of Tuesday, 13th August 2019

ધોલેરામાં અડધાથી ૩ ફૂટ પાણી ભરાયાઃ સ્થાનીકોએ રસ્તા તોડવા પડયા

ગાંધીનગર,તા.૧૩: ગુજરાત સરકાર જયાં ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત સ્માર્ટસિટિ અંતર્ગત વિવિધ પ્રોજેકટ્સ હાથ ધરવા માગે છે, તે ધોલેરાને સમગ્ર વિસ્તાર અત્યારે અડધાથી ત્રણ ફૂટ સુધીના પાણીમાં ગરકાવ છે. ગામડાં સંપર્ક વિહોણા છે. શુક્ર- શનિ દરમિયાન તો આ વિસ્તારમાં ખાસ્સા પાણી ભરેલાં હતાં.

ભાવનગર જતા નેશનલ હાઈવે ઉપરથી પાણી વહેતાં હતાં. જો કે હવે આ રસ્તો મોટરેબલ થયો છે. ધોલેરા વિસ્તારમાં એલ એન્ડ ટીએ બનાવેલા ઊંચા રસ્તતાના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને સ્થાનિક લોકો ભારે પરેશાન છે. ધોલેરા એસઆઈઆરને સ્માર્ટસિટી બનાવવાના ભાગરૂપે એલ એન્ડ ટીને સરકારે સોંપેલી કામગીરી અંતર્ગત ઊંચા રસ્તા બનાવાયા હોઈ અત્યારે રસ્તાની બંને બાજુ ખાસ્સા પાણી ભરાયેલા છે.

ધોલેરા ગામના રહેવાશી પ્રતાપસિંહ ચૂડાસમાના જણાવ્યા પ્રમાણે ફેઈરા કે જયાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનું છે. ત્યાં અત્યારે ૩- ૪ ફૂટ પાણી છે. ટ્રક જેવા મોટા વાહનો સિવાય કોઈ વાહનો જઈ શકે તેવી સ્થિતિ જ નથી. ધોલેરા ચાર રસ્તાથી મુખ્ય બજાર સુધીના વિસ્તારમાં પણ આવી જ હાલત હતી.

ધોલેરાના રહેવાશીઓએ ભેગા થઈ પાણી જવાનો રસ્તો કરવા માટે એલ એન્ડટીએ બનાવેલો રોડ તોડવો પડયો છે. રવિવાર સુધી સાંઢેલા ગામથી હેબતપુર પાટિયા સુધીના ૭- ૮ કિલોમીટરમાં ખાસ્સુ પાણી હતું. પ્રભાતસિંહ કહે છે કે, પહેલીવાર ધોલેરામાં આટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે, જે એલ એન્ડ ટીના ઊંચા રસ્તાને કારણે છે. પાણી જવાના કુદરતી માર્ગો ઉપર મોટા પ્રમાણમાં દબાણ થતાં આ સ્થિતિ સર્જાઈ છે.

ભાલ વિસ્તાર તરીકે જાણીતા ધોલેરા વિસ્તારમાં આ વખતે ભારે વરસાદથી મોટા પ્રમાણમાં પાણી ભરાતાં કપાસના પાકને ખાસ્સું નુકસાન થયું છે. લોકોના રહેણાંકમાં પણ પાણીમાં હોવાનું જણાવાઈ રહ્યું છે.

(3:33 pm IST)