ગુજરાત
News of Tuesday, 13th August 2019

તંત્રની ઉદાસીનતાને લીધે બોપલમાં લોકોએ જીવ ગુમાવ્યાઃ શકિતસિંહજી

અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકોને તાત્કાલિક પુરતી સહાય અને પુનઃ વસન માટે માંગ ઉઠાવી : ગુજરાતમાં અનેક ખેડૂતોના ખેતરોનું ધોવાણઃ અનેક માછીમારોનો પતો નથી : મીઠાના અગરો માટે જમીનો આપી દેવાથી ભાલ પંથકના ગામડાઓમાં પાણીનો નિકાલ નહિ થવાથી દયાજનક હાલત : સ્થાનીક કારણો-પ્રશ્નો હલ કરવાને બદલે રશિયાના પ્રવાસથી કોઇ ફાયદો ગુજરાતને થવાનો નથી

રાજકોટઃ ભાવનગર પશ્ચિમના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલે   જણાવેલ છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિની અસર નીચે અનેક નિર્દોષ વ્યકિતઓના મૃત્યુ અતિશય દુઃખદ છે. આ કમનસીબ ઘટનાઓ તંત્ર દ્વારા થોડીજ સાવચેતી રખાઈ હોત તો નિવારી શકાય તેમ હતી. સમગ્ર ગુજરાત અતિશય મુશ્કેલીમાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ રશિયા ખાતે  જવાને બદલે પોતાના પ્રતિનિધિ તરીકે કોઈ એક મંત્રીશ્રીને મોકલવા જોઈતા હતા.

 બોપલ ખાતેની પાણીની ટાંકી જર્જરીત છે અને જોખમી છે તેવી વારંવાર રજુઆતો છતાં તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી અને પરિણામે ગરીબ પરિવારના લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તંત્રના જવાબદાર અધિકારીઓ અને પધાધિકારીઓ સામેં I.P.C ની કલમ ૩૦૪ (Part-૨) મુજબ તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે અને પરિવારજનોને પુરતી સહાય આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પાર્ટીએ કરી છે.

 ગુજરાતમાં અનેક ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઇ ગયું છે. ઓખા મઢી ખાતે ત્રણ માછીમારોનાં  મૃત દેહ મળ્યા છે. પોરબંદર અને અન્ય જગ્યાએથી અનેક માછીમાર લોકો લાપતા છે. સુરેન્દ્રનગરના વાવડી-માલવણ ખાતે તણાયેલા લોકોના સાત મૃતદેહ મળેલા છે. સરકારની ત્વરિત તકેદારીથી આ નુકશાન રોકી શકાયું હોત. ગરીબ માછીમારોને હવામાન ખાતાની માહિતી હોવા છતાં જાણ નહિ કરીને ગુનાહિત બેદરકારી કરી છે. શહેરોમાં વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને વરસાદી પાણીથી ભયંકર નુકસાન થયું છે.

 ભાવનગરના ભાલ વિસ્તારમાં પર્યાવરણનાં નિયમોથી વિરુધ્ધ અને જેમાં ભ્રષ્ટાચારની ગંધ આવે તે રીતે મીઠાના અગરો માટે સરકારે જમીન આપી હોવાથી ભાલના ગામડાઓની હાલત પાણીનો નિકાલ નહિ થવાથી દયાજનક બની છે. ભાવનગર અમદાવાદનો રસ્તો પણ ડૂબ્યો છે. કચ્છમાં પણ અતિવૃષ્ટિથી પારાવાર તારાજી થઇ છે. હીરા ઉદ્યોગમાં અતિશય મંદી ચાલે છે અને તેના સ્થાનિક કારણોને નિવારવાના બદલે રશિયાના પ્રવાસથી કોઈ ફાયદો થવાનો નથી.

  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલે માંગણી કરી છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકોને તાત્કાલિક પુરતી સહાય આપવામાં આવે અને તેને સંપૂર્ણ પુનઃ વસન થાય તેની સરકાર કાળજી લે.

(1:11 pm IST)