ગુજરાત
News of Tuesday, 13th August 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિદેશ પ્રવાસમાં હોવા છતાં વધુ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર- વહિવટી તંત્રનાં કાર્યો પર ચાપતી નજર

વરસાદી પાણી ઓસરતાં જ રાહત અને પુનર્વસન કાર્યોને ઝડપથી અસરકારક બનાવતા વિજયભાઈ રૂપાણી

 

અમદાવાદ ;રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી ક્યાંક કહેરનાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ક્યાંક કુદરતનું વહાલ વરસ્યું છે તો ક્યાંક કુદરતએ વિકરાળતા વરસાવી છે. વિશ્વનાં દરેક દેશમાં ઓછો-વધતો વરસાદ પડે છે. જેના સારા-નરસા પરિણામો સમગ્ર જીવશ્રુષ્ટિને ભોગવવા પડે છે. જ્યાં-જ્યાં જરૂરિયાતથી વધારે વરસાદ પડે છે ત્યાં-ત્યાં વરસાદી પાણીમાં હજારો લોકો તણાઈ જવાના, ઘર-ખેતર-રોડ-રસ્તા ધોવાઈ જવાના કિસ્સા સામે આવે છે. હાલમાં કેટલાંક વિકસિત દેશો અને ભારતનાં જ કેટલાંક રાજ્યોમાં સર્જાયેલી વરસાદી તારાજી કુદરતી કહેરનું તાજું જીવંત ઉદાહરણ છે. ટેકનોલોજી ક્ષેત્રે સર્વગુણ સંપન્ન વિકસિત દેશ અમેરિકામાં પણ વર્ષે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન અને લાખો લોકોનું સ્થળાંતર કુદરતી કહેરનાં કારણોસર થાય છે. આકાશમાંથી પાણીનું વરસવું સામાન્ય બાબત નથી, જોડે વીજળી પણ પડે અને તૂફાન સાથે દરિયામાં ત્સુનામી પણ આવી શકે. આ..તો.. કુદરત છે. કુદરતને થોડી રોકી શકાય? દુષ્કાળ કે અતિવૃષ્ટિ થવી એ કઈ આપણા કોઈનાં હાથમાં નથી. દર વર્ષે સમગ્ર ભારત સાથે ગુજરાતમાં પણ ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાય છે. આ પાછળ આપણે કે સરકાર જવાબદાર નથી. હા, સરકાર એ વિકટ પરિસ્થિતિમાં સહાયરૂપ બની શકે. આ બધામાં નોંધનીય બાબત એ છે કે, છેલ્લાં બે અઠવાડિયામાં ગુજરાતનાં કેટલાંક શહેરો, નગરો, ગામડાંઓમાં એક જ દિવસમાં પંદર-વીસ ઈંચ વરસાદ ખાબક્યો હોવા છતાં રૂપાણી સરકાર વધુ પડતી તારાજી કે ખાનાખરાબી અટકાવવામાં સફળ સાબિત થઈ છે.

ચોમાસે બરોડા, રાજકોટ, અમદાવાદ, સુરત જેવા મેગા સીટી સહિત કેટલાંક જિલ્લાનાં નાના-મોટા નગરો, ગામડાઓમાં વધુ પડતા વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હંમેશની જેમ ગુજરાતનાં સુખે-સાથીદુઃખે-સહભાગી બનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાબડતોબ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જઈને શરૂ કરી દીધી હતી. આટલું જ નહીં ખુદ મુખ્યમંત્રીરીએ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની હોટલાઈનથી જ વધુ વરસાદ પ્રભાવિત વિસ્તારનાં કલેકટર - જેતે અધિકારી સાથે સીધી વાતચીત કરીને બચાવ-રાહત કામોની વિગતો મેળવી અસરકારક કામગીરીનો પરચો આપ્યો હતો. આટલાથી વિરામ ન લેતા વિજયભાઈએ સમીક્ષા બેઠક બાદ માધ્યમો સાથેની વાતચીતમાં રાજ્ય સરકાર દ્વારા વરસાદી આફત સામેની સજ્જતાની તલસ્પર્શી વિગતો પણ આપી હતી. ગુજરાતમાં સ્થિતિ હવે સામાન્ય છે, સરકાર, સૈન્ય, સુરક્ષા-વહિવટી તંત્ર સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ પણ વધુ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગે છે અને જરૂરી તમામ સહાયતા આપી રહી છે. રૂપાણી સરકાર સાથોસાથ ભાજપનાં સામાન્ય કાર્યકર, કોર્પોરેટર, અગ્રણીઓ પણ વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં પ્રજાની પડખે જઈ તેમને સંભવિત મદદ કરી રહ્યાં છે.

હાલ રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિદેશ પ્રવાસે હોવા છતાં પળેપળ રાજ્ય સરકારનાં વિવિધ વિભાગો અને તંત્રનાં વધુ વરસાદવાળા વિસ્તારોમાં કરવામાં આવી રહેલા રાહત અને પુનર્વસન કાર્યો પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દેખરેખમાં વધુ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોઓમાં વરસાદી પાણી ઓસરતા નુકસાનીનાં સર્વેની અસરકારક અને ત્વરિત કામગીરી શરૂ કરી દેવા વિવિધ ટીમ બનાવવામાં આવી છે. ઘરવખરીનાં નુકસાનનાં સર્વે માટે અને રોગચાળો ફાટી ન નીકળે એ હેતુસર ક્લોરીનેશન, દવાઓનો છંટકાવ, દવા વિતરણ સહિતની કામગીરી માટે પણ કેટલીક ટીમ બનાવવામાં આવી છે. વધુ પડતા વરસાદથી અસર પામેલા નાના-મોટા ગામો-નગરો અંદર વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો રિપેર કરવાનું કામ ચાલુ છે તો સ્ટેટ હાઈવે અને ગ્રામ્ય માર્ગનાં ધોવાયેલા રસ્તાઓનું સમારકામ ઝડપથી શરૂ થઈ ચૂક્યું છે. પોતાના વિદેશ પ્રવાસ અગાઉ મુખ્યમંત્રીએ તમામ વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજી યુદ્ધનાં ધોરણે વધુ વરસાદમાં અસરગ્રસ્ત થયેલાઓને રાહત અને સહાય મળી રહે એ માટે કામગીરી કરવા સૂચવ્યું છે અને આ કામગીરી પર તેઓ સ્વયં દેખરેખ રાખી ગુજરાતમાં વસતો એકપણ નાગરિક વરસાદી સમસ્યાનો ભોગ ન બને તે માટે સતત અને સંપૂર્ણ કાર્યશીલ છે.

(9:52 pm IST)