ગુજરાત
News of Tuesday, 13th August 2019

પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં છેલ્લા પ વર્ષથી દર ચોમાસે નીકળતા જીવતા શંખથી ભારે અચરજ

બનાસકાંઠા, તા., ૧ર:ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં શંખનું ખૂબ મોટું મહત્વ છે. મંદિરો અને ધાર્મિક સ્થળોએ પૂજામાં શંખ મૂકવામાં આવે છે. પરંતુ જીવતા શંખ ભાગ્યે જ જોવા મળે છે. પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં જીવતા શંખ છેલ્લા 5 વર્ષથી દર ચોમાસે જોવા મળી રહ્યા છે અને તેને લઈને લોકો પણ અચરજ પામે છે.

હિન્દુ ધર્મ અને પુરાણોમાં શંખનું એક અનોખું મહાત્મય બતાવવામાં આવ્યું છે. મંદિરોમાં આરતી બાદ શંખ વગાડવામાં આવે છે. તો પ્રાચીન કાળમાં યુદ્ઘ વખતે પણ શંખનાદ કરવા માટે શંખનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથના મંદિરમાં જઈ લોકો પૂજા અર્ચના કરે છે અને શંખ પણ વગાડે છે. ભગવાન ભોલેનાથના પ્રિય એવા શંખ જીવતા મળે ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીવતા શંખ નદી કાંઠે જ જોવા મળતા હોય છે મહિલાઓ શંખની માળા બનાવીને પણ પહેરતી હોય છે. પરંતુ પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા ત્રણ મકાનમાં 100 થી વધારે જીવતા શંખ દર ચોમાસામાં જોવા મળે છે. તેમને કોઈ ખોરાક આપવામાં આવતો નથી, તેઓ કુદરતી રીતે જીવતા રહે છે. આ જીવતા શંખ ચોમાસુ પૂરુ થયા બાદ કયાં ગાયબ થઈ જાય તે પણ કોઈ જાણતુ નથી. 

હાલ તો આ જીવતા શંખ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેથી બહારથી પણ અનેક લોકો શંખને જોવા માટે આવે છે. સ્થાનિક રહેવાસી વિજય જોશી કહે છે કે, પવિત્ર શ્રાવણ માસમાં જ અહીં જીવતા શંખ જોવા મળી રહ્યાં છે. છેલ્લા 5 વર્ષથી અહીં આવું થાય છે. શંખ કયાંથી આવે છે તે ખબર નથી પડતી. આમ, તો આવા શંખ નદી કિનારે જ જોવા મળતા હોય છે, પણ અહીં અમને જીવતા શંખ જોવા મળી રહ્યા છે

(9:42 am IST)