ગુજરાત
News of Tuesday, 13th August 2019

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયીઃ કાટમાળમાં દબાયેલ ૪ લોકોને બહાર કઢાયાઃ ૩ના મોત

અમદાવાદ, તા. ૧૨ :. અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી એકાએક ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો આ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં ૩ લોકોના મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોપલ વિસ્તારમાં સંસ્કૃતિ ફલેટની સામે આવેલી મહાનગર નગરપાલિકાની પાણીની ટાંકી એકાએક તૂટી પડી હતી આ ટાંકી ૩૦ ફૂટની હતી. આ ટાંકી પડતા જ તેનો કાટમાળ તેને અડીને આવેલ કેટરીંગના ગોડાઉન અને આરઓ પ્લાન્ટ પર પડયો હતો. આ ગોડાઉનમાં ૨૦થી વધુ લોકો કામ કરતા હતા જેના કારણે અનેક લોકો તેના કાટમાળ નીચે દટાયા છે. આ ઘટનાને પગલે ફાયર વિભાગ દોડતુ થયુ હતુ. કાટમાળ નીચે દબાયેલા લોકોને તાત્કાલીક બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં ૭ લોકો ગંભીર રીતે ઈજા થઈ છે તો ૩ લોકોના મોત નિપજ્યા છે.

બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ટાંકી એકાએક તૂટી પડી હતી જેથી સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું. ફાયર વિભાગ ચાર ગાડીઓ તાત્કાલીક ઘટના સ્થળે પોતાના સામાન સાથે પહોંચી હતી. પાણીની ટાંકીની સાથે નજીકનું એક મહાકાય વૃક્ષ પણ તૂટી પડયુ હતુ. જેથી કટરના મદદથી વૃક્ષને કાપવામાં આવ્યુ હતુ. ફાયર વિભાગના કર્મચારીઓ સાથે સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં લાગ્યા હતા.

(5:58 pm IST)