ગુજરાત
News of Friday, 12th July 2019

ભરૂચ નંદેલાવમાં બે બિલ્ડીંગને ગેરકાયદેસર જાહેર કરીને બૌડાએ સીલ મારતા ખળભળાટ

ભાડે રહેતા કંપનીના કર્મચારીઓ અને દુકાનદારો ભેખડે ભરવાયા

ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (બૌડા)એ નંદેલાવ  ખાતે આવેલી બે બિલ્ડીંગોને ગેરકાયદેસર બાંધકામ જાહેર કરી સીલ મારી દેતા ખળભળાટ મચી ગયો છે જ્યારે બિલ્ડીંગમાં ભાડે રહેતા કંપનીના કર્મચારીઓ અને દુકાનદારો ભેખડે ભરવાયા છે.

 આ અંગે મળતી વિગત મુજબ નંદેલાવમાં  આવેલ આયેશા એપાર્ટમેન્ટ અને મદની એપાર્ટમેન્ટ પરવાનગી વગર ઉભી થઈ હોવાની ફરીયાદ સચીન પટેલ અને મુકેશ વસાવાએ બૌડામાં કરી હતી. જેના આધારે બૌડાએ સ્થળ તપાસ કરી બિલ્ડરોને સુનાવણી માટે જાણ કરી હતી. જેમાં બિલ્ડરો હાજર ન રહેતા આખરે બૌડાએ બિલ્ડીંગને સીલ મારવા માટેની નોટીસ આપી બિલ્ડીંગ ખાલી કરવા જણાવ્યું હતું

 . નોટિસનો સમય પુરો થવા છતાં બિલ્ડરો દ્વારા કોઇ કાર્યવાહી ન થતા આખરે બુધવારના રોજ બૌડાની ટીમે બંને બિલ્ડીંગોને સીલ મારી દેતા દુકાનદારોમાં દોડધામ મચી જવા પામી હતી. આ બિલ્ડીંગમાં વિવિધ કંપનીના કર્મચારીઓ ભાડેથી રહેતા હતા. સીલ મારવાના કારણે તેમનો સર-સામાન પણ અંદર રહી જતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

(7:47 pm IST)