ગુજરાત
News of Wednesday, 15th May 2019

ટોટાણાના સંત સદારામ બાપુનો ૧૧૧ વર્ષની વયે દેહત્યાગ

પાર્થિવદેહના અંતિમદર્શન માટે હજારો લોકો ઉમટયા : પૂજ્ય બાપા છેલ્લા ૨૭ દિવસથી પાટણમાં વેન્ટિલેટરના સહારે શ્વાસ લઈ રહ્યા હતા : અનુયાયીઓમાં ઘેરા શોક

અમદાવાદ,તા. ૧૫ : કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુએ ૧૧૧ વર્ષની વયે મંગળવારે સાંજે દેહત્યાગ કર્યો હતો. બે લાખથી વધુ લોકોને વ્યસનમુકત કરી સમાજ સુધારણાનુ કાર્ય કરનાર શતાયુ સંત શ્રીસદારામબાપુની ચીર વિદાયથી સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપાના પાર્થિવ દેહને પાલખીમાં લઈ બુધવારે સવારે ૬-૦૦ કલાકે ટોટાણા ધામ ખાતેથી પૂજ્ય બાપુના આશ્રમેથી ખારીયા થઈ થરા શ્રધ્ધાળુઓના દર્શન માટે લઈ જવાયા હતા. ત્યાંથી પુનઃ ટોટાણા આશ્રમ ખાતે સાંજે ૪-૦૦ વાગે અંતિમ વિધિ માટે પર પાલખી યાત્રા લાવવામાં આવ્યા હતા. બાપુને સંતો મહંતોની અને પરિવાર વચ્ચે અગ્નિદાહ અપાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના રાજકીય મહાનુભાવો પણ બાપાના અંતિમ દર્શન માટે સાંજે અંતિમવિધિ સમયે પહોંચ્યા હતા. આ પહેલાં હજારો લોકો બાપાના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે ઉમટયા હતા. સંપૂર્ણ શાસ્ત્રોકત અને ધાર્મિક વિધિ સાથે બાપાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બે લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કરવા ઉપરાંત હજારો લોકોને જીવનનો રાહ બતાવનાર સંત સદારામ બાપાના દેહાવસાનથી લાખો ભક્તો અનુયાયીઓમાં શોક વ્યાપી ગયો હતો. બ્રહ્મલીન સંત સદારામ બાપુની પાલખી યાત્રા ટોટાણાથી થરા ગઈ હતી. પાલખી યાત્રામાં વિવિધ સમાજના સંતો ઉપરાંત પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, પૂર્વ રાજ્ય મંત્રી કેશાજી ઠાકોર, ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, થરા એ.પી.એમ.સીના ચેરમેન અણદાભાઈ પટેલ,સહિત તમામ સમાજના અગ્રણીઓ જોડાયા હતા. સંત શ્રી સદારામ બાપા કેટલાક દિવસોથી બીમાર હોવાથી તેમને પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૨૭ દિવસથી વેન્ટિલેટરના સહારે શ્વાસ લઈ રહયા હતા. સોમવારે તેમની તબિયત વધુ નાજુક થતા તેમને ટોટાણા આશ્રમ ખાતે રાત્રે લઇ જવાયા હતા. જ્યાં મંગળવારે તેમનું નિધન થયું હતું. પુજય સંત શ્રીસદારામબાપા દેવલોક પામતાં દર્શનાર્થે ભકતોનુ ધોડાપુર ઉમટયુ હતું. સમાજ સુધારણા અને વ્યસન મુક્તિનું ઉત્તમ કાર્ય કરનાર આ ઓલિયા સંત પુરુષને સરકાર દ્વારા ગત વર્ષે ગુજરાત ગૌરવ ગરીમા એવોર્ડથી નવાજ્યા હતા. કાંકરેજના ટોટાણા ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુના ભજન-કિર્તન થકી સમાજમા વ્યાપેલા ખોટા વ્યસનના દુષણો દૂર કરી સમાજ સુધારણાનુ કામ કરતા અને ૧૧૧ વર્ષની શતાયુ જીવન વટાવી ચુકેલા પરમ પૂજય સંતશ્રી સદારામબાપાની તબિયત બગડતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બાપાએ મંગળવારે સાંજના ૬-૪૪ એ પાર્થિવદેહ છોડયો હતો. બાપુના દેવલોક પામ્યાના સમાચારથી ગુજરાત ભરના ભકતજનોમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતું. રાજકીય મહાનુભાવો સહિત હજારો શ્રધ્ધાળુઓએ બાપુના અંતિમ દર્શન કરવા ઉમટયા હતા.

(9:39 pm IST)