ગુજરાત
News of Wednesday, 15th May 2019

જીટીયુ દ્વારા ૧૯૦ કોલેજને નોટિસ અપાતા ખળભળાટ

કોલેજોમાં અસુવિધા, ખામીઓ દૂર કરવાનો આદેશ : ઇન્સ્પેક્શન પ્રક્રિયામાં ખામીઓ જણાશે તો નો એડમિશન ઝોન તેમજ સીટો ઘટાડાશે : કોલેજોમાં સ્ટાફનો અભાવ

અમદાવાદ, તા.૧૫ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા રાજ્યની ૧૯૦ જેટલી કોલેજોને નોટિસ ફટકારવામાં આવી છે. કોલેજોમાં સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરીની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. જેને પગલે જીટીયુએ આ ૧૯૦ કોલેજોને નોટિસ ફટકારતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. જીટીયુ દ્વારા આ તમામ કોલેજોને તાકીદે કોલેજોમાં અસુવિધાન અને ખામીઓનું નિવારણ કરવા કડક આદેશ કર્યો છે. દરમ્યાન જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું હતું કે, રાજ્યની ૪૫૨ કોલેજોની પાસે તેમની ઓનલાઇન વિગતો મંગાવવામાં આવી હતી. જેમાં ૧૯૦ જેટલી કોલેજોમાં કેટલીક અસુવિધા અને ખામીઓ જણાતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ ખામીઓને દૂર કરી એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું હતું. ખામીયુક્ત કોલેજોમાં ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું છે. આ તમામ કોલેજોમાં તા. ૩૧ મે સુધી ઇન્સ્પેક્શન પ્રક્રિયા પૂર્ણ થશે. જો ઇન્સ્પેક્શન બાદ રિપોર્ટમાં સુવિધાઓમાં સુધારો કરવામાં નહીં આવ્યો હોય અને ખામીઓ ધ્યાન પર આવશે તો કોલેજોને નો એડમિશન ઝોન જાહેર કરી તેમજ સીટો ઘટાડવા સુધીના પગલા લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં જીટીયુ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, જીટીયુના નિર્ણયને લઇ શિક્ષણજગતમાં એકબાજુ, જીટીયુ સત્તાવાળાઓની પ્રશંસા થઇ રહી છે તો બીજીબાજુ, કોલેજ વર્તુળમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી સુવિધા ઉપરાંત, શૈક્ષણિક, ટેકનીકલ અને વહીવટી ખામીઓ સહિતની ક્ષતિઓ સામે આવતાં આ કોલેજો વાંકમાં સપડાઇ છે, પરિણામે હવે જીટીયુએ સમગ્ર મામલે કડક વલણ અપનાવી કોલેજોને નોટિસ ફટકારી કડક તાકીદ કરી છે.

(8:23 pm IST)