ગુજરાત
News of Wednesday, 15th May 2019

લોકસભાની ચૂંટણી ભલે પૂરી થઇ, પોલીસની 'ટાંટીયાતોડ' યથાવત રહેવાના એંધાણ

ગુજરાતના પાંચ - પાંચ જીલ્લાઓમાં દલીત યુવાનોને વરઘોડા ન કાઢવા દેવા સામે જીજ્ઞેશ મેવાણીના આંદોલનની જાહેરાતથી પોલીસ તંત્રના બીપી ઉંચા : મહિલા ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલને સસ્પેન્ડ કરવા સાથે પાંચ જીલ્લાના એસપીઓ સામે ખાતાકીય તપાસની દલીત સંમેલનોમાં જોરદાર માંગ ઉઠશેઃ આઇબી એલર્ટ

રાજકોટ, તા., ૧૫: રાજયના પોલીસ તંત્રના નશીબમાં જાણે 'ટાંટીયાતોડ' લખી હોય તેમ એક બંદોબસ્તમાંથી પરવારે ત્યાં બીજા બંદોબસ્તમાં જોડાવવુ પડે તેવી સ્થિતિ નિર્માણ થતા પોલીસ તંત્ર તથા તેમનો પરિવાર આમા કોને દોષ દેવો? તે નક્કી કરી શકતો ન હોવાથી મનોમન નશીબને દોષ દઇને બેસી રહે છે. લોકસભાની ચુંટણીનું મતદાન કાર્ય ગુજરાતમાં પુર્ણ થયું અને હવે મતગણત્રી સુધી નિરાંત રહેશે તેવી કલ્પનામાં રાચતા ગુજરાતના પોલીસ તંત્ર માટે ગુજરાતમાં ઉચ્ચ જ્ઞાતિઓ દ્વારા ગુજરાતના ચોક્કસ વિસ્તારોમાં દલીત સમાજના યુવાનોને લગ્નનો વરઘોડા ન કાઢવાની ઘટનામાં હવે ચૂંટણી પ્રચારમાંથી ફ્રી થયેલા વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલીત નેતા જીજ્ઞેશ મેવાણી દ્વારા રાજય સરકાર સામે મોરચો માંડી ઠેર-ઠેર દલીત સંમેલનોની જાહેરાત કરતા ગુજરાતના પોલીસ તંત્રને હવે આ આંદોલનને કારણે ચોક્કસ જ્ઞાતિઓ સામસામી ન થાય અને કાયદો-વ્યવસ્થા ન કથડે તે માટે થાક ઉતાર્યા સિવાય દોડવું પડશે. જીજ્ઞેશ મેવાણીની વિવિધ જીલ્લાઓમાં દલીત સંમેલનની તારીખો જાહેર કરતા ગુજરાતનું ગુપ્તચર તંત્ર પણ એલર્ટ બન્યું છે.

નવાઇની વાત એ છે કે સૌ પ્રથમ દલીત યુવાનને લગ્નમાં વરઘોડો ન કાઢવાનો મામલો નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના મતક્ષેત્રમાં બન્યો. નાયબ મુખ્યમંત્રી સહીતના ઉચ્ચ અધિકારીઓ દોડયા પરંતુ જોઇએ તેવો સુમેળ ન થયો. આ મામલો હજુ શાંત થાય તે પહેલા જ સાબરકાંઠાના પ્રાંતીજમાં દલીત સમાજના એક યુવાનને લગ્નનો વરઘોડો કાઢતા અટકાવવામાં આવ્યો. નવાઇની વાત એ છે કે જે યુવાનના લગ્ન હતા તે ખુદ પોલીસમેન હતો. આ મામલો ચગે અને કાયદો વ્યવસ્થા ખોરવાય તે પહેલા સાબરકાંઠાના એસપી ચૈતન્ય માંડલીકે ર૦૦ થી વધુ પોલીસનો કાફલો ખડકી દેવા સાથે ઉચ્ચ અધિકારીઓ અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પણ દોડી ગયા હતા.

આજ રીતે મોડાસા તાલુકાના ખંભીસરમાં દલીત યુવાનના વરઘોડા દરમિયાન બે જુથ વચ્ચે થયેલ ઘર્ષણ દરમિયાન પથ્થરમારો થયો. પોલીસ સ્ટાફ પણ ઘાયલ થયેલ.  પોલીસે ર૦૦ થી ૩૦૦ લોકોના ટોળા સામે ફરીયાદ દાખલ કરી ખંભીસરની આ ઘટના અંગે લગ્ન પ્રસંગ બાદ દલીત પરીવારો લોકોના ટોળા સામે ફરીયાદ કરવા પોલીસ મથકે ગયા હતા. ગામમાં કર્ફયુ જેવો માહોલ સર્જાયેલ. જીજ્ઞેશ મેવાણીએ આ ઘટનામાં ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલને તાત્કલીક સસ્પેન્ડ કરવા માંગણી કરી છે.

ફરી મૂળ વાત પર આવીએ તો ગુજરાતના પ અલગ-અલગ જીલ્લામાં દલીત પરીવારના યુવાનના લગ્ન પ્રસંગે વરઘોડો ન કાઢવા દેનાર સામે એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો નોંધવા સાથે પ જીલ્લાના એસપીઓ સામે ખાતાકીય તપાસ કરવા જીજ્ઞેશ મેવાણીએ માંગણી કરવા સાથે ઉકત ગામોમાં દલીત સંમેલનોની તારીખ જાહેર કરી દીધી છે. જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ ઘટના બાબતે મૌન હોવા સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગૃહમંત્રી , ભાજપના ધારાસભ્યો અને પોલીસ વડા દ્વારા કોઇ કાર્યવાહી ન થયાનો આરોપ મુકવા સાથે ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલે દલીત મહિલાઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ મુકી આંદોલન માટે હથીયારો સજાવ્યા છે.

(11:40 am IST)