ગુજરાત
News of Thursday, 14th March 2019

ટેકફેસ્ટમાં ૧૦૦થી વધારે કોલેજના વિદ્યાર્થી જોડાયા

સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે આયોજન થયું : ટેકનોક્રેટ વિદ્યાર્થીઓએ ક્રાંતિકારી શોધ મારફતે પોલ્યુશન, પર્યાવરણ સહિતની સમસ્યાઓના સોલ્યુશન મોડલ મુક્યા

અમદાવાદ, તા.૧૪ : સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે આજથી તા.૧૪મી અને આવતીકાલે તા.૧૫મી માર્ચ એમ બે દિવસીય જીટીયુ ટેક્નિકલ ફેસ્ટિવલ જીટીયુ ઝોનલ ટેકફેસ્ટ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ-ગાંધીનગર ઝોનની એન્જીનીયરીંગ, ફાર્મસી, એમબીએ અને આર્કિટેક્ચરની ૧૦૦થી વધુ કોલેજો અને પાંચ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ટેકનોક્રેટ વિદ્યાર્થીઓએ ક્રાંતિકારી શોધ મારફતે પોલ્યુશન, પર્યાવરણ, વ્હીકલ સહિતના પ્રશ્નોના અનોખા સોલ્યુશન્સ રજૂ કર્યા હતા, જેને જોઇ જજીસ અને ભાગ લેનાર અન્ય કંપનીઓ પ્રભાવિત થઇ હતી. કેટલીક કંપનીઓએ તો વિદ્યાર્થીઓના પોલ્યુશન નિવારણ સહિતના સોલ્યુશન્સ તેમની કંપની માટે આવકાર્યા હતા, જે એક સિધ્ધિ કહી શકાય એમ અત્રે સાલ ગ્રુપના ચેરમેન ડો.રાજેન્દ્ર શાહ અને રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ કમિશનર ડો.એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે. વૈશ્વિક સ્પર્ધાત્મક એવા આ યુગમાં ટેકનોલોજી વિનાનું જીવન શકય નથી. ટેકનોલોજી વિના જીવન મૃતઃપ્રાય બની જાય તેવી સ્થિતિ છે, ત્યારે સૌકોઇએ ટેકનોલોજીથી અપગ્રેડ થવું પડશે. આજના વિદ્યાર્થીઓની જનરેશન બહુ ટેલેન્ટેડ અને ઉત્સાહી છે, તેમની આ આંતરિક પ્રતિભાને બહાર લાવવા અને તેને યોગ્ પ્ેલેટફોર્મ મળી રહે તે હેતુથી આ બે દિવસીય જીટીયુ ટેકનીકલ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે. સાલ એજ્યુકેશન કેમ્પસ જીટીયુ ઝોનલ ટેકફેસ્ટ હોસ્ટ કરી રહેલ છે, તે ગૌરવની વાત છે. આ ટેક્નિકલ ફેસ્ટિવલમાં જીટીયુના અમદાવાદ-ગાંધીનગર  ઝોનની એન્જીનીયરીંગ, ફાર્માસી, એમબીએ તથા આર્કિટેક્ચરની ૧૦૦થી વધુ કોલેજો અને પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. એન્જીનીયરીંગની વિવિધ બ્રાન્ચ જેમ કે, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર વગેરેના વિદ્યાર્થીઓ ટેક્નિકલ તથા નોન- ટેક્નિકલની ૪૯થી વધુ ઇવેન્ટ્સ ઉપરાંત, ગુજરાત ઇનોવેશન કાઉન્સિલ જેમ કે, આઇડીપી એક્સ્પો, પેટન્ટ ક્લિનિક વગેરે જેવી ઇવેન્ટ્સમાં ભાગ લઇ રહ્યા છે. સાલ ગ્રુપના ચેરમેન ડો.રાજેન્દ્ર શાહ અને રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ કમિશનર ડો.એચ.જી.કોશીયાએ ઉમેર્યું કે, આ ટેકફેસ્ટનું મુખ્ય આકર્ષણ રોબોટિક્સ ઇવેન્ટ છે. આ ઉપરાંત, આઇડીપી એક્સ્પો, પેટન્ટ ક્લિનિક (સ્ટાર્ટ- અપ), હાઈડ્રોલીક આર્મ, કેડ ક્રેકર(મિકેનિકલ ઓટોમોબાઇલ), ડેક્સટર, વેબ-એ-થોન, કોડ સ્ટોર્મ, માસ્ટર્સ એપ(કોમ્પ્યુટર આઇટી),  બ્રેક-અપ બ્રિજ, આર્ટિફાઇસ (સિવિલ), લેઝર વોરફેર- ૩, ધ સર્કિટ ચેલેન્જ, સોલાર સ્પ્લેસ (ઈઈ, ઇસી, આઈસી) વગેરે ઈવેન્ટ્સનો પણ સમાવેશ થાય છે. સાલ ઇન્સ્ટિટ્યૂટ અને જીટીયુ વિદ્યાર્થીઓને તેમનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને વિજેતાઓને રૂ. ૩ લાખ સુધીના ઇનામ પણ આપવામાં આવશે. આ બે દિવસીય ઇવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીના એક્પર્ટસ સાથે  નવા આઈડિયા પર ચર્ચા પણ કરશે. આ ટેકફેસ્ટમાં આજે ડો. નવીન શેઠ(વાઇસ ચાન્સેલર, જીટીયુ), ડો.રાજેન્દ્ર શાહ (ચેરમેન,સાલ ગ્રુપ), ડો.એચ. જી. કોશિયા(ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ કમિશનર,ગુજરાત), ડો. રૂપેશ વસાણી (ડાયરેક્ટર, સાલ એજ્યુકેશન કેમ્પસ), નીલિમા એસ. શાહ (જનરલ મેનેજર,સાલ એજ્યુકેશન કેમ્પસ), પ્રો. ઉમંગ એસ. મોદી, પ્રો. કેતન જી. પટેલ, પ્રો. શાશ્વવત એલ. પાડલિયા, પ્રો. પ્રજ્ઞેશ ડી. પંચાલ તથા શ્રી મેહુલ આર. સુથાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાં ધ ટોલેસ્ટ સિમોગ્રાફિક ફિગરઓફ સ્વામીવિવેકાનન્દના વર્લ્ડ રેકોર્ડ માટે પ્રયાસ થઇ રહ્યો છે.

(9:31 pm IST)