ગુજરાત
News of Thursday, 14th March 2019

છબીલના પુત્ર સિદ્ધાર્થને વધુ બે દિવસના રિમાન્ડ

કોર્ટમાં રજૂ કરાયા બાદ રિમાન્ડ

નવીદિલ્હી, તા. ૨૬ : ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપી છબીલ પટેલનો દીકરો સિધ્ધાર્થ પટેલ તા.૧૦મી માર્ચે તપાસનીશ એજન્શી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(એસઆઈટી) સમક્ષ હાજર થયા બાદ અને સીટના અધિકારીઓ દ્વારા છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થની બંધબારણે કલાકો સુધી ઝીણવટભરી પુછપરછ કરાયા બાદ તેની વિધિવત્ ધરપકડ કરવામાં આવી હતી. સીટ દ્વારા આરોપી છબીલ પટેલના પુત્ર સિધ્ધાર્થ પટેલને તા.૧૧મી માર્ચે ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણીના અંતે કોર્ટે આરોપી સિદ્ધાર્થ પટેલને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. છબીલના પુત્ર સિધ્ધાર્થ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે નવા ડેવલપમેન્ટમાં તેના પિતા છબીલ પટેલ પણ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા હોઇ હવે આ નવા ઘટનાક્રમ સાથે સીટ દ્વારા આરોપી સિધ્ધાર્થ પટેલના વધુ રિમાન્ડ મંગાયા હતા, જેમાં કોર્ટે તેના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

(8:26 pm IST)