ગુજરાત
News of Thursday, 14th March 2019

અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ઝુકાવે તેવી ગતિવીધી

મેરા પરિવાર ભાજપ પરિવાર કાર્યક્રમમાં જય શાહે રસ દાખવ્યા બાદ હર્ષદ પટેલને બનાવાયા લોકસભા બેઠકના પ્રભારી : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતમાંથી ઝુકાવે તો સમગ્ર રાજયમાં ચુંટણી માહોલ બની જાય તેવી સંભાવના વચ્ચે મળતા ''ઇન્પુટ''અમિત શાહ વિધાનસભા ચુંટણી લડતા ત્યારે પણ હર્ષદ પટેલ જ બેઠકના હતા પ્રભારી

રાજકોટ તા. ૧૪ : ગુજરાતની તમામ ર૬ બેઠકો ફરીથી કબ્જે કરવા માટે ભાજપે ગોઠવેલા માસ્ટર પ્લાનથી રાજયના રાજકરણમાં ભારે ગરમાવો આવી ગયો છે ત્યારે સમગ્ર રાજયમાં ભાજપ તરફી વધુ મજબુત માહોલ બની જાય તેવી ગતીવિધીના નિર્દેશો મળી રહ્યા છે. દેશમાં ભાજપની સ્થિતિ મજબુત કરનાર રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગાંધીનગર બેઠક ઉપરથી લોકસભામાં ઝુકાવે તેવા નિર્દેશો મળી રહ્યા છ.ે

વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગૃહરાજયમાંં લોકસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસનું ખાતુ જ ન ખુલે તે માટે ભાજપે ઘડયો છે.''સ્પેશ્યલ ર૬'' પ્લાન આ પ્લાન અનુસાર ગ્રામિણ વિસ્તારમાં થોડીક નબળી જણાતી સ્થિતીને સુધારી લેવા ખાસ આપવા ઉપરાંત રાજયમાં ભાજપ તરફ જ માહોલ બની જાય તે માટેની ગોઠવણોના સંકેતો મળી રહ્યા છ.ે

ભાજપના કેન્દ્રીય વર્તુળો ત્થા પ્રદેશ ભાજપ સુત્રોમાં છેલ્લા એક મહિનાથી ચાલતી ગતિવિધિઓ નિહાળતા ગાંધીનગર બેઠક પરથી મોટા માથાને મેદાનમાં ઉતારીને રાજયમાં જોરદાર માહોલ ઉભો કરવા માટેની રીતસરની તૈયારીઓ આરંભી દેવાઇ હોવાના અણસાર મળી રહ્યા છ.ે

ગાંધીનગરની પ્રતિષ્ઠાભરી  બેઠક ઉપર ભાજપના લોખંડી રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મેદાનમાં ઉતારવામાં આવે તેવા છાનાખુણેથી ઇન્પુટસ મળી રહ્યા છે.

ભાજપમાં છાનાખૂણે થતી ગતિવિધીઓ જોતા એવુ જાણવા મળ્યું છે કે ભાજપના કોઇપણ રાજકીય કાર્યક્રમોમાં અમિત શાહના પરિવારના સભ્યો સીધો રસ દાખવતા ખૂબજ જવલ્લેજ નજરે પડયા છ.ે પરંતુ એકાદ મહિના પહેલા ગાંધીનગર લોકસભા બેઠક ખાતે ''મેરા પરિવાર ભાજપ પરિવાર'' કાર્યક્રમમાં જય અમિતભાઇ શાહા વિશાળ મેદની ઉપસ્થિત રહે તે માટે આડકતરી રીતે કાર્યરત હોવાનું ભાજપ સુત્રોમાંથી જાણવામળ્યુ  છે. બીજી તરફ જોઇએ તો જયારે અમિતભાઇ શાહ વિધાનસભા બેઠક પરથી ચુંટણી જંગ લડતા હતા ત્યારે તેમના અંગત મિત્રવર્તુળ માટેના એક એવા અમદાવાદના જાણીતા શિક્ષણશાસ્ત્રી અને ભાજપ અગ્રણી હર્ષદ પટેલ (રાણીપ) બેઠકના પ્રભારી તરીકે કાર્યરત રહેતા

દરમ્યાન મળતા અહેવાલો મુજબ ૧ માસ પહેલા હર્ષદ પટેલ કપડવંજ વિસ્તારના પ્રભારી હતા પરંતુ તાજેતરમાં તેમને ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે નિમવામાં આવ્યા છે. જે એવો આડકતરો નિર્દેશ આપી જાય છે કે ભાજપ સુપ્રિમો ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઝુકાવી શકાય છે.

આ ઉપરાંત પ્રદેશ કક્ષાના ટોચના આગેવાનો પણ સાવ અંગત વર્તુળોમાં અત્યંત ચુપકીદી પૂર્વક આ પ્રશ્ને દાણો દબાવી રહ્યાના પણ નિર્દેશો અકિલાને મળ્યા છે.

(3:28 pm IST)