ગુજરાત
News of Thursday, 14th March 2019

મેટ્રો રેલ સેવા ટેકનિકલ ખામી થતાં ફરી એકવખત ખોટવાઇ

મેટ્રો રેલ ખોટકાતાં સેંકડો મુસાફરો અટવાયા : ૯ દિવસમાં મેટ્રો રેલની સેવા બીજી વખત ખોરવાઈ ગઇ એક્સપર્ટ ટીમ દ્વારા નિવારણ કરી ફરી સેવા ચાલુ કરાઇ

અમદાવાદ, તા.૧૩ : અમદાવાદ મેટ્રો રેલ નિયમિત રીતે શરૂ થયાના બીજા જ દિવસે ખોટવાઇ ગયા બાદ આજે નવમા દિવસે ફરી બીજી વખત ખોટવાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતાં મેટ્રો રેલની સેવા ફરી એકવાર વિવાદમાં ફસાઇ છે. મેટ્રો રેલની સેવા આજે ટેકનીકલ ખામી સર્જાતાં ફરી એકવાર ખોટવાતાં સેંકડો મુસાફરો અટવાઇ ગયા હતા. આજે સવારે દસ વાગે એપરલપાર્ક પાસે ટ્રેન બે કલાક ખોટવાઈ જતાં સ્ટેશન પર હાજર મુસાફરોને પાછા જવાની ફરજ પડી હતી. જો કે, એક્સપર્ટ ટીમ દ્વારા નિવારણ કરી ફરી સેવા ચાલુ કરાતાં મુસાફરોએ રાહતનો દમ લીધો હતો. અમદાવાદ શહેરમાં હજુ તો મેટ્રો ટ્રેનને માત્ર ૯ દિવસનો સમયગાળો વીત્યો છે ત્યારે આટલા ટૂંકા ગાળામાં વે વખત ટ્રેન ખોટવાઈ જતાં મુસાફરો પરેશાન થયા છે. મેટ્રો ત્રણના ફેઝ વનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૪થી માર્ચે ટ્રેનમાં મુસાફરી કરીને ઉદ્ઘાટન કર્યું હતું. તેના ગણતરીના દિવસોમાં ૯મી માર્ચે ટ્રેન ખોટવાઈ હતી અને મુસાફરો અટવાયા હતા. આજે ફરી એકવાર મેટ્રો ટ્રેન ખોટવાઈ છે, જેના કારણે ફ્રી ટ્રાયલ મુસાફરી કરવા ઇચ્છતા અનેક લોકો અટવાયા હતા. સામાન્ય રીતે તેના શેડ્યૂલ મુજબ ઉપડનારી મેટ્રો ટ્રેન સવારે દસ કલાકે ઉપડવાની હતી. લોકો ઉત્સાહમાં હતા, પરંતુ બે કલાક સુધી ટ્રેન નહીં ઉપડે તેવી જાહેરાતને પગલે પ્રવાસીઓએ પાછા જવું પડ્યું હતું.  ૯મી માર્ચે મેટ્રો ટ્રેનમાં એસીની સિસ્ટમ બંધ પડી ગઇ હતી. જેને લીધે ટ્રેનને આઠ મિનિટ સુધી રોકી રાખવાની ફરજ પડી હતી. સેન્ટ્રલ એસી બંધ થઇ જતાં ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઇ ગયા હતા. અમદાવાદ મેટ્રોએ પૂર્વ વિસ્તારના લોકોમાં ભારે આકર્ષણ ઊભું કર્યું છે. રોજના હજારોની સંખ્યામાં લોકો મેટ્રો ટ્રેનની મુસાફરી કરવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે. હાલમાં સવારે ૧૦થી સાંજના ૪ વાગ્યા સુધી ૧૫ ટ્રીપ ચલાવાય છે. જેમાં રોજના દસ હજાર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. મેટ્રો રેલમાં તા.૧૪ માર્ચ સુધી મફત મુસાફરી રહેશે. ત્યારબાદ વસ્ત્રાલ ગામથી એપરલપાર્ક સુધીનું ભાડું ૧૦ રૂપિયા વસૂલાશે. આ અંગે અમદાવાદ મેટ્રોના એડમિન ડેપ્યુટી જનરલ મેનેજર અંકુર પાઠકે જણાવ્યું હતું કે, ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે જે ઝડપથી દૂર કરવામાં આવી હતી. ટ્રેન આજે ૧૨ વાગ્યાથી રાબેતા મુજબ શરૂ થઈ કરી દેવાઇ હતી. એક્સપર્ટ ટીમે ટેકનીકલ ખામીનું નિવારણ કરી નાંખ્યું હતું. હાલમાં મેટ્રો ટ્રેન વચ્ચેનાં સ્ટેશનો પર રોકાતી નથી. તા.૧૪ માર્ચ પછી તબક્કાવાર વચ્ચેનાં સ્ટેશન પર રોકાશે.

 

(7:48 pm IST)