ગુજરાત
News of Friday, 7th December 2018

ગુજરાતમાં 'બિહારવાળી'... : ૯ હથિયારધારી લૂંટારૂઓએ એસટી બસ કરી હાઇજેક : ૧ કરોડના મુદ્દામાલની લૂંટ

લુંટારૂઓ હથિયારો સાથે મુસાફરના સ્વાંગમાં બસમાં ચડી ગયા હતા : ચાલુ બસે આંગડિયાના ૩ કર્મચારીઓને લૂંટી લીધા

અમદાવાદ તા. ૭ : લૂંટ-હત્યાના બનાવો રાજયમાં ખુબ વધી રહ્યા છે. રોજે રોજ હત્યા અને લૂંટના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આજે તો લૂંટારૂઓએ કાયદા અને પોલીસની બીકના ધજીયા ઉડાવી દઈ મોટી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. મહેસાણા જીલ્લાના નંદાસણ પાસે એસ બસને હાઈજેક કરી લૂંટારૂઓએ ૧ કરોડથી વધુના મુદ્દા માલની લૂંટ ચલાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુરથી અમદાવાદ જતી એસટી બસને લૂંટારૂઓએ હાઈજેક કરી રૂપિયા એક કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓ હથિયાર સાથે મુસાફરના સ્વાંગમાં બસમાં ચઢી ગયા હતા, અને મહેસાણા જીલ્લાના નંદાસણ નજીક ચાલુ બસે ત્રણ આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટી લેવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, પાલનપુરથી અમદાવાદ એસટી બસ જઈ રહી હતી. આ બસમાં વસંત અંબાલાલ, જયંતી સોમા અને એચ પ્રવિણ આંગડીયા પેઢીના કર્મચારીઓ પણ પોતાના પાર્સલ લઈ જઈ રહ્યા હતા. તે સમયે મુસાફરના સ્વાંગમાં બેઠેલા ૯ જેટલા હથિયારધારી લૂંટારૂઓએ નંદાસણ નજીક ત્રણે આંગડીયા પેઢીના કર્મચારીઓને રિવોલ્વરની અણીએ લૂંટી લેવામાં આવ્યા છે.

આ ઘટનાને નજરે જોનારા એક મુસાફરના જણાવ્યા અનુસાર, ૯ જેટલા હથિયારધારી લૂંટારૂઓએ નંદાસણ પાસે બસને અચાનક હાઈજેક કરી. તેમની પાસે ધારદાર હથિયારોની સાથે રિવોલ્વર પણ હતી, કોઈ કાઈ સમજે તે પહેલા જ તેમણે આંગડીયાના કર્મીઓના થેલા છીનવી લીધા અને રિવોલ્વરની અણીએ બસ ચાલકને ડરાવી નંદાસણ પાસે બસ ઉભી રખાવી રફૂચક્કર થઈ ગયા. બસના તમામ મુસાફરોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો, પહેલા તો મુસાફરોને આતંકવાદીઓ હોવાનું લાગતા તમામ મુસાફરો ભયભીત થઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદથી પાલનપુર જતી બસમાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ૯ જેટલા લૂંટારૂઓએ રિવોલ્વર અને હથિયારના સહારે ત્રણ આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટી લીધા છે. પોલીસે લૂંટારૂઓને પકડવા માટે ચક્રો ગતી માન કરી દીધા છે.

પોલીસને પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળે છે કે, આ લૂંટારૂઓ ઊંઝાના ઉનાવાથી મુસાફરના સ્વાંગમાં બસમાં ચઢ્યા હતા અને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે ચારેતરફ નાકાબંધી કરી લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથધરી છે. ત્રણે આંગડીયા પેઢીના કર્મચારીઓ ડીસાથી અમદાવાદ આવવા માટે પાર્સલ લઈને નીકળ્યા હતા. જે રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે જોતા પ્રાથમિક મુદ્દે લૂંટારૂઓ જાણભેદુ હોવા જોઈએ.(૨૧.૩)

 

(9:40 am IST)