ગુજરાત
News of Friday, 12th October 2018

કોંગ્રેસની લોક-સરકાર ''એપ'' આજથી થશે કાર્યરત

ભાજપ સરકારની સમાંતર કામ કરશે કોંગ્રેસની 'શેડો' સરકારઃ બે વાગ્યે ૪૦૦ પ્રતિનિધીઓ માટે સેમિનારઃ બપોરે ૪ વાગ્યે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બે સહપ્રભારીની હાજરીમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાના હસ્તે એપ ખુલ્લી મુકાશેઃ ગુજરાતવાસીઓ પોતાના પ્રશ્નો એપ દ્વારા રજુ કરી શકશે કોંગ્રેસ પ્રશ્નો ઉકેલવા કાર્યરત થશે

રાજકોટ તા.૧૨: ગુજરાતની ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ નિવડી છે તેવી વાત સાથે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમાંતર સરકાર (શેડો ગવર્નમેન્ટ)ની રચના કરી આ અંગે આજે લોક-સરકાર એપ ખુલ્લી મુકી છે. જેમાં કોઇપણ ગુજરાતવાસી પોતાના પ્રશ્નો એપ દ્વારા રજુ કરશે જે અંગે કોંગ્રેસના તાલીમબધ્ધ પ્રતિનિધીઓ, ધારાસભ્યો તથા પ્રદેશ અગ્રણીઓ યોગ્ય સ્તરે પ્રશ્ન રજુ કરી ઉકેલવાના પ્રયાસો કરશે. પ્રશ્ન રજુ કરનાર ફરિયાદીઓ તેના પ્રશ્નનો ઉકેલ કયા સ્તરે છે તે એપ દ્વારા જાણી શકશે. આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ, વિપક્ષી નેતા ગુજરાતના બે સહપ્રભારીઓની ઉપસ્થિતિમાં બપોરે ૪ વાગ્યે આ એપ ખુલ્લી મુકાશે.

પ્રદેશ કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવા ખભા ઉચકયા છે. બે મહત્વના સંગઠનોમાં ગઇકાલે ત્વરીત નિર્ણયો કરી નિમણૂંકો બાદ હવે ત્રણેક દિવસ પછી સંગઠન અને શહેર જિલ્લાની ધડાધડ નિમણૂંકો થવાની છે ત્યારે આજે રાજય સરકારને લોકપ્રશ્નોથી ભીડવવા સમાંતર સરકાર રચવાની દિશામાં લોકસરકાર એપને ખુલ્લી મુકવામાં આવશે.

આજે ૪ વાગ્યે રાજયના કોંગ્રેસના સહપ્રભારીઓ વિશ્વરંજન મોહનસિંઘ તથા જીતેન્દ્ર બધેલની ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીના હસ્તે રાજયના પ્રદેશ અગ્રણીઓની હાજરીમાં કોંગ્રેસ પોતાની લોકસરકાર એપને ખુલ્લી મુકશે.

આજે ચાર વાગ્યે લોકસરકાર એપ ખુલ્લી મુકાયા પહેલા બપોરના બે વાગ્યે પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે લોકસરકાર એપ માટે પસંદગી પામેલ કોંગ્રેસના ૪૦૦ જેટલા કસાયેલા કાર્યકરો જેમાં ધારાસભ્યોથી માંડીને તાલુકા કક્ષાના કાર્યકરોનો સમાવેશ થાય છે. તેમને લોક-સરકાર એપ અંગેની સંપુર્ણ માહિતી, જ્ઞાન તથા ઓપરેશન અંગેની તાલીમ તથા જાણકારી આપવામાં આવશે.

આ અંગે કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે લોકસરકાર એપમાં ગુજરાતના કોઇપણ વ્યકિત જોડાઇને પોતાના પ્રશ્નો રજુ કરી શકશે. આ એપમાં રજુ કરાયેલ પ્રશ્નો અંગે કોંગ્રેસ આગેવાનો યોગ્ય સ્તરે યોગ્ય રજુઆતો કરશે અને ઉકેલ માટે સતત કાર્યરત  રહેશે. આ પ્રશ્ન અંગેની કાર્યવાહી કયાં પહોંચી તે અંગે એપ દ્વારા જ ઘેરબેઠા પ્રશ્ન રજુ કરનાર કે સબંધીતો જાણકારી પણ પ્રાપ્ત કરી શકશે.

કોંગ્રેસ દ્વારા અગાઉ થયેલ જાહેરાત મુજબ ગુજરાતમાં સમાંતર સરકાર અંગેની કાર્યવાહીનો આજથી જ પ્રારંભ થઇ જશે.(૧.૧૦)

 

(11:55 am IST)