ગુજરાત
News of Wednesday, 11th July 2018

ભાજપમાં જોડાયેલા 'પાસ'ના પૂર્વ નેતાઓનો હાર્દિક સામે ઉપયોગ કરવાને બદલે સાઇડ લાઇન

ભાજપના પાટીદાર નેતાઓ વિધાનસભા ચૂંટણી વખતે પણ હાર્દિક ફેકટર સામે નબળા પડયા હતાઃ આરટીઇ ઝુંબેશ, દારૂબંધી માટે જનતા રેડ અને પાટીદારોને અનામત માટે ઉપવાસના એલાનથી હાર્દિક ફરી મેદાનમાં

અમદાવાદ તા. ૧૧ : પાસ કન્વીનર હાર્દિક પટેલ ઉપરાછાપરી કાર્યક્રમો કરીને ભાજપ સરકાર સામે નવો પડકાર ઉભો કરી રહ્યો છે ત્યારે પાસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓનો ઉપયોગ હાર્દિક સામે કેમ કરાઇ રહ્યો નથી તે સવાલ પાટીદારોના સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહ્યો છે. ખાસ કરીને ભાજપના પાટીદાર નેતાઓ હાર્દિક ફેકટરનો સામનો કરવામાં અગાઉ પણ સક્ષમ રહ્યા નથી ત્યારે પાસના ભાજપમાં ગયેલા ફાયરબ્રાન્ડ નેતાઓને મેદાનમાં ઉતારવા જોઇએ તેવી ચર્ચા શરૂ થવા પામી છે. આવી જ સ્થિતિ ચાલુ રહી તો વિધાનસભાની ચૂંટણીની જેમ હાર્દિકની સ્થિતિ વધુ મજબૂત થઇ શકે છે તેવા સંજોગો ફરી આકાર લઇ રહ્યા છે.

હાર્દિક દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ સરકાર સામે મોરચો માંડી દીધો છે. રાઇટ ટુ એજયુકેશન હેઠળ ગરીબ બાળકોને શાળાઓમાં એડમીશન અપાતું ન હોવાના મુદ્દે કોંગ્રેસના નેતા અલપેશ ઠાકોર અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે મળીને સીધા સ્કૂલો પર પહોંચી જઇને બાળકોને એડમીશન અપાવ્યા હતા. જિલ્લા શિક્ષણ સમિતિ અને ડીઇઓને પણ મજબૂત રજૂઆત કરીને બાળકોને પ્રવેશ અપાયો હતો. આ ઝુંબેશની વાલીઓએ પણ સમર્થન આપ્યું હતું. તે પછી ફરીથી આ ત્રિપુટીએ દારૂ પકડવા જનતા રેડ કરી હતી અને ગાંધીનગર પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો તો સામેથી ધરપકડ માટે પહોંચી ગયા હતા. હવે જીએમડીસી પાટીદાર સંમેલનને ૨૫ ઓગસ્ટે ૩ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે વ્યૂહાત્મક રીતે પાટીદાર સમાજને અનામત નહીં મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી દઇને ફરીથી સમાજની સહાનુભૂતિ મેળવવાનો તખ્તો ઘડી દીધો છે. હાર્દિકને તેની ભાષામાં જવાબ આપી શકે તેવા રેશમા પટેલ, વરૂણ પટેલ, કેતન પટેલ અને ચિરાગ પટેલ વિગેરે સહિત અનેક પાસ સાથે સંકળાયેલા અને ભૂતકાળમાં હાર્દિક સાથે કામ કરી ચૂકેલા નેતાઓ હાલ ભાજપમાં છે. ભાજપના નેતાઓ હાર્દિક ફેકટરનો કેવી રીતે સામનો કરવો તેનો ઉકેલ શોધી રહ્યા છે પરંતુ પાસના પૂર્વ નેતાઓને અકળ કારણસર ભાજપમાં સાઇડ લાઇન કરી નખાયા હોય તેવી હાલત છે. આવી સ્થિતિ લાંબી ચાલે તો કેટલાક ફરીથી હાર્દિક સાથે પણ જોડાઇ શકે છે. પાસના એક નેતાએ આ મુદ્દે કહ્યું હતું કે, 'હાર્દિકની પોલ ખોલવા માટે પક્ષના નેતાઓએ અમારો કાર્યકર તરીકે ઉપયોગ કરવાનો સમય પાકી ગયો છે.' બીજી તરફ હાર્દિકને છોડીને ભાજપમાં ગયાલે પાસના પૂર્વ નેતાઓને પાટીદાર સમાજ સ્વીકારશે કે કેમ તે સવાલ પણ સો. મીડિયામાં પૂછાઇ રહ્યો છે.(૨૧.૭)

(10:16 am IST)