ગુજરાત
News of Thursday, 14th June 2018

હવે મોબાઇલ લેબોરેટરી તમારા ઘરે આવીને ખાદ્ય ચીજવસ્‍તુઓનું વિનામૂલ્યે ટેસ્‍ટીંગ પણ કરી આપશેઃ ભેળસેળ પુરવાર થશે તો કાયદાકીય કાર્યવાહીઃ નીતિનભાઇ પટેલના હસ્‍તે ગાંધીનગરમાં કેન્‍દ્ર સરકાર પુરસ્‍કૃત મોબાઇલ ફુડ ટેસ્‍ટીંગ વાનનું લોકાર્પણ

ગાંધીનગરઃ નાયબ મુખ્‍યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરાશે.

આજે ગાંધીનગર ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત મોબાઈલ ફુડ ટેસ્ટીંગ વાનનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, નાગરીકોને અશુદ્ધ અને ભેળસેળ વાળો ખાદ્ય પદાર્થ ન લેવો પડે તે માટે આ મોબાઈલ વાન વિવિધ જિલ્લાઓમાં ફેરવવામાં આવશે અને નાગરીકો સામેથી ટેસ્ટીંગ માટે ખાદ્ય પદાર્થ લઈને આવશે તો તેનું વિનામુલ્યે ટેસ્ટીંગ પણ કરી આપવામાં આવશે. અને જો નમુનો ભેળસેળયુક્ત પુરવાર થશે તો સામેથી સેમ્પલ લઈને તેની સામે કાયદાકીય રીતે કડક પગલા લેવાશે. કેન્દ્ર સરકારના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરેટી ઓફ ઈન્ડિયા દ્વારા અગાઉ આવી એક વાન ગુજરાતને ફાળવવામાં આવી હતી. હવે ગુજરાતને આ બીજી મોબાઈલ વાન વિનામુલ્યે પૂરી પાડવામાં આવી છે. જેનું રાજ્યભરમાં પરિભ્રમણ કરીને જનજાગૃતિ કેળવાશે. આ વાનનો તમામ આનુષાંગિક ખર્ચ પણ કેન્દ્ર સરકાર દ્વારા પુરુ પાડવામાં આવશે.

નીતિન પટેલે ઉમેર્યું કે આ મોબાઈલ વાન અદ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સુસજ્જ છે. આ સાધનો દ્વારા સ્થળ પર જ નમુનાનું પરીક્ષણ થઈ શકે તે માટે મિલ્ક ટેસ્ટીંગ મશીન દ્વારા ટેસ્ટીંગ કરી દુધમાં ફેટ, એસ.એન.એફ., પ્રોટીન તથા એમોનીયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર મોલ્ટોડ્રેક્સ્ટ્રીન,યુરીયા જેવા કેમિકલ્સ શોધી શકાશે. આ ઉપરાંત ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્યચીજો તળવામાં આવે તો તે તેલ ઝેરી બની જાય છે. આવા ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેલની ચકાસણી કરાશે. ઉપરાંત પેકીંગમાં મળતાં પીવાનાં પાણીમાં ટી.ડી.એસ.ની માત્રા સહીત જ્યુસ, શરબતમાં ખાંડની માત્રાનું પ્રમાણ સહીતની તમામ ચકાસણી સ્થળ ઉપર જ કરાશે. જેમાં ખાંડની માત્રાનું પ્રમાણ કેટલું છે તે ગણતરીની પળોમાં જાણી શકાશે અને જો ખાંડની માત્રાનું પ્રમાણ વધું હોય તો નમુનો લઈ ચકાસણી કરાશે. અને નમુનો ભેળસેળ યુક્ત ઠરે તો તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.

(7:40 pm IST)