ગુજરાત
News of Monday, 4th June 2018

થેલેસિમિયાથી ગ્રસ્ત ૧૦૦ બાળકોને દત્તક લઇ લેવાયા

શહેર પોલીસ દ્વારા અનોખું સેવાકીય અભિયાનઃ બે થેલેસિમિયાગ્રસ્ત બાળકોને એક વર્ષ સુધી રકત મળી રહે તેટલું રકતદાન પોલીસના કર્મી અને અધિકારી કરશે

અમદાવાદ,તા.૪: આગામી તા.૧૪ મી જૂને વિશ્વ રક્તદાતા દિવસ અંતર્ગત શહેર પોલીસ દ્વારા 'મુસ્કાન માટે રક્તદાન અંતર્ગત' થેલિસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કરવામાં આવી રહ્યું છે. દરેક પોલીસ સ્ટેશનદીઠ બે થેલિસિમિયાગ્રસ્ત બાળકોને દત્તક લઈ તેઓને એક વર્ષ સુધી રક્ત મળી રહે તેટલું રક્ત ભેગું કરવામાં આવશે. આજે સોલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર એ.કે.સિંઘે રક્તદાન કરી આ સેવાકીય અભિયાનની શરૂઆત કરાવી હતી. શહેર પોલીસ અને રેડ ક્રોસના સંયુક્ત અભિયાન દ્વારા થેલિસિમિયાગ્રસ્ત બાળકો કે જેઓને વધુ રક્તની જરૂર હોય છે તેઓ માટે આજથી તા.૧૧ જૂન સુધી પોલીસકર્મીઓ અને અધિકારીઓ રક્તદાન કરશે. 'મુસ્કાન માટે રક્તદાન અંતર્ગત' થેલિસિમિયાગ્રસ્ત બાળકો દત્તક લઈ તેઓને એક વર્ષ સુધી રક્ત મળી રહે તે માટે આ રક્તદાન કરવામાં આવશે. શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે આજે સવારે સોલા પોલીસ સ્ટેશનથી આ રક્તદાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઇ અને અન્ય પોલીસકર્મીઓ રક્તદાન કરી અભિયાનમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં થેલિસિમિયાગ્રસ્ત બાળકો હાજર રહ્યા હતા. બાળકોને પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવી ગિફ્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તા.૧૧ જૂન સુધી કોઈ પણ સમયે પોલીસકર્મીઓ, મહિલા પોલીસકર્મીઓ સોલા, રાણીપ, ગાયકવાડ હવેલી, શાહીબાગ, બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે, ઝોન-૬ ઓફિસ, સેટેલાઈટ તેમજ શાહીબાગ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રક્તદાન કરી શકશે. શહેર પોલીસના અનોખી સેવાકીય ઝુંબેશની સર્વત્ર સરાહના અને પ્રશંસા થઇ રહી છે. શહેરની કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ થેલેસિમિયાગ્રસ્ત બાળકોના જીવન માટે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઇ રહી છે પરંતુ હવે ખુદ શહેર પોલીસ તંત્ર તેમાં સહભાગી બનતાં પોલીસની સામાજિક સેવાની નવી ભૂમિકા આજે સામે આવી હતી.

(10:21 pm IST)