ગુજરાત
News of Monday, 4th June 2018

અમદાવાદ : માત્ર બે દિવસમાં ઝાડા-ઉલ્ટીના ૧૦૨ કેસો થયા

તંત્રના અસરકારક પગલા છતાં નવા કેસો નોંધાયા : બે દિવસના ગાળામાં સાદા મેલેરિયાના ૨૩, કમળાના ૩૦ અને ટાઇફોઇડના ૩૬ કેસ : પાણીના નમૂનામાં તપાસ

અમદાવાદ, તા.૪ : હાલના સમયમાં ગરમીના કારણે એકબાજુ લોક ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ બે દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૧૦૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના બે દિવસના ગાળામાં ૩૦ અને ટાઇફોઇડના ૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના બે દિવસના ગાળામાં ૨૩ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન મહિનામાં ઝેરી મેલેરિયાના કોઇ કેસ નોંધાયા નથી. જૂન ૨૦૧૭ દરમિયાન લીધેલા ૭૦૬૫૭ લોહીના નમૂના સામે બીજી જૂન ૨૦૧૮ સુધીમાં ૪૧૪૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. જૂન ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૧૭૩૦ સીરમ સેમ્પલ સામે બીજી જૂન ૨૦૧૮ સુધીમાં ૧૪ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતના ભાગરુપે પાણીના મુખ્ય સ્ત્રોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૧૫૯૧ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાઈરિસ્ક વિસ્તારો અને કેસો નોંધાયા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૩૧૯ પાણીના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૩૦૨૫૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. મોબાઈલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં ૧૭ અલગ અલગ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. જે હેઠળ ૪૦૬ કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ૧૭૪૯ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. મે ૨૦૧૮ સુધીમાં ૧૫૧ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૨ અપ્રમાણિત જ્યારે ૫૪ નમૂના તપાસવાના બાકી છે. બીજી જૂન ૨૦૧૮ સુધીમાં ૧૭ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે. આ નમૂના તપાસવાના બાકી છે.

 

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૪ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ............................................... ૧૫૯૧

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના................ ૩૧૯

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ............... ૪૦૬

ક્લોરીન ગોળીઓનું વિતરણ...................... ૩૦૨૫૦

જંતુનાશક દવાનો છંટકાવ......................... ૧૩૩૪૪

નોટિસ અપાઈ.................................................. ૮૩

નિકાલ કરેલ ફરિયાદ..................................... ૧૯૦

મોબાઇલ કોર્ટ દ્વારા દંડ................................ ૯૫૦૦

વહીવટી ચાર્જ   ૯૪૭૨૭

 

(8:40 pm IST)