ગુજરાત
News of Monday, 4th June 2018

સુરતમાં પ્રથમ વરસાદે જ ૩ વ્‍યકિતના ભોગ લીધોઃ ૧૦૦થી વધુ વૃક્ષો ધરાશાયીઃ વિજ થાંભલા પડી જતા અનેક જગ્‍યાઅે વિજળી ગુલ

સુરતઃ સુરતમાં રવિવારે વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે ૩ વ્‍યકિતનો ભોગ લીધો હતો જ્યારે ૨પથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. જ્યારે અનેક જગ્‍યાઅે વૃક્ષો ધરાશાયી થયા અને વિજ થાંભલા તૂટી પડ્યા હતાં.

સુરતના ડભોલી વિસ્તારમાં તાપી નદીની પાળ પર સુઈ રહેલા 31 વર્ષીય પ્રકાશ દાસ પર વહેલી સવારે લગભગ 4 વાગ્યે ઝાડ પડતા તેમનું મૃત્યુ થયુ હતું. પાંડેસરાના ગણપત નગરમાં રહેતા 32 વર્ષીય ઉમાશંકર શ્યામ પાત્રા વિનાયક નગર પાસે આવેલા એક ખુલ્લા મેદાનમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ પ્રમાણે, ઉમાશંકર સ્લિપ થઈને જમીન પર પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા ત્યારપછી મોઢામાં પાણી અને કીચડ જવાને કારણે ગુંગળામણને કારણે તેમનું મોત થયું છે.

કલ્યાણનગર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય નયના રાઠોડ ઙર નજીક આવેલી કચરાપેટીમાં કચરો નાખવા જતા હતા ત્યારે રસ્તા પરના તૂટેલા વાયરનો કરંટ લાગવાને કારણે તેમનું મૃત્યુ થયુ હતું. આ સિવાય વાવાઝોડાને કારણે કોઈ ભારે વસ્તુ પડવાને કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકો સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.

શહેરમાં લગભગ 110 વૃક્ષો ઉખડી ગયા હતા અને અનેક વીજળીના અમુક થાંભલા પણ પડી ગયા હતા. વહેલીસવારે 3થી 4 વાગ્યા દરમિયાન લગભગ એક કલાક વરસાદ અને વાવાઝોડુ ચાલ્યુ હતું. SMCના ફ્લડ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, શહેરમાં 22mm વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નુકસાન રાંદેર વિસ્તારમાં થયું છે. આ સિવાય ઝાડ પડવાને કારણે અને લાઈટના થાંભલા પડી જવાને કારણે જહાંગીરપુરા, વણાકળા, પાલ અને ભાટા વિસ્તારમાં લાઈટ જતી રહી હતી.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ(DGVCL)ની ટીમ દ્વારા આ વિસ્તારોમાં ડેમેજ થયેલા કેબલ રીપેર કરવામાં આવ્યા હતા. અમુક વિસ્તારોમાં રવિવારે સાંજે લાઈટ આવી હતી. ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, અઠવામાં 20 ઝાડ, ઉધનામાં 11, વરાછામાં 20, શહેરના સેન્ટ્રલ ઝોનમાં 10 અને કટારગામમાં 9 વૃક્ષો ધરાશયી થયા હતા.

(6:26 pm IST)