ગુજરાત
News of Monday, 4th June 2018

ગાંધીનગર જીલ્લામાં સફાઈના અભાવથી ગંદકી ફેલાતા લોકોને હાલાકી

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર સ્વચ્છતાના નામે સફાઇ અભિયાનો હાથ ધરવામાં આવે છે તેમજ તાજેતરમાં જળસંચય અભિયાન ચલાવીને ગામના તળાવો, કાંસ અને નદીઓ ઊંડી કરવાની સાથે સાથે સાફ કરવામાં આવે છે. પરંતુ સ્વચ્છતા અભિયાનની વાતો પાટનગરથી નજીક આવેલાં ખોરજ ગામમાં પોકળ સાબિત થતી હોય તેમ ગામની વચ્ચોવચ આવેલી વરસાદી પાણીના નિકાલની કાંસ સફાઇના અભાવે ગટરના ગંદા પાણીમાં ફેરવાઇ ગઇ છે. જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી રોગચાળો ભય પણ ગ્રામજનોને સતાવી રહ્યો છે. ગાંધીનગર નજીક આવેલાં ખોરજ ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે ગામની મધ્યમાં કાંસ બનાવવામાં આવી છે. જેમાં ચોમાસાની મોસમ દરમિયાન વરસાદી પાણીની અવર જવર થતી હોવાથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કાંસમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં નહીં આવતાં ગટરના ગંદા પાણી કાંસમાં વહી રહ્યાં છે. જેના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. કાંસની આસપાસ આવેલાં વસાહતી વિસ્તારના રહિશો પણ મચ્છરના ઉપદ્રવનો ભોગ બની રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા એક તરફ સફાઇ અભિયાનો અને જળસંચય જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે પરંતુ પાટનગરથી નજીક આવેલાં આ ગામમાં કાંસની સફાઇ બાબતે કોઇ જ આયોજન હાથ ધરવામાં નહીં આવતાં આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

 

(5:27 pm IST)