વાપી નજીક મોરાઇ ગામે ટ્રકની બ્રેક ફેલ થતા દીવાલ તોડી પાર્કિંગમાં ઘુસી જતા ત્રણ બાઇકનો ચૂરો બોલ્યો
વાપી:નજીકના મોરાઇ ગામે રોડના ચઢાણ પર ટ્રકની બ્રેક ફેઇલ થઇ ગયા બાદ ટ્રક રિવર્સમાં કંપનીની દિવાલ તોડી પાર્કિંગમાં ઘૂસી જતાં ત્રણ બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટના બાદ ચાલક ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બીલીમોરાથી ભંગાર ભરી દમણ જતી ટ્રક (નં. જીજે-૧-વી- ૫૯૦૦) વાપીના મોરાઇ ગામની સીમમાંથી પસાર થઇ રહી હતી. રોડ પરના ચઢાણ પર અચાનક ટ્રકની એક્ષલ તૂટી ગયા બાદ બ્રેક ફેઇલ થતાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટ્રક રિવર્સમાં પૂરઝડપે દોડી નજીકમાં આવેલી વેલસ્પન કંપનીની દિવાલ તોડી કમ્પાઉન્ડમાં ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં કંપનીના પાર્કિંગમાં પાર્ક કરેલી ત્રણ બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટના બાદ ચાલક ફરાર થઇ ગયો હતો. કંપનીના કર્મચારી એકત્રિત થઇ ગયા બાદ વાપી રહેતા ટ્રકમાલિકને ફોનથી જાણ કરતા માલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં કર્મચારીઓએ બાઇકના નુકસાની વળતરની માંગ કરી હતી. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી. વાપી પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી હતી.