ગયા અઠવાડિયે પંજાબથી પ્રેમી સાથે ભાગેલ યુવતીની વલસાડ રેલવે સ્ટેશન પરથી અટકાયત
વલસાડ: પંજાબથી સપ્તાહ પહેલા ભાગેલી સારા ઘરની કિશોરી અને તેના પ્રેમીની વલસાડ રેલવે સ્ટેશન પરથી વલસાડના સીટીઆઇ(ચીફ ટિકીટ ઇન્સ્પેક્ટર) જેક પરમારે શંકા આધારે પુછતાછ કરી પોલીસને સુપ્રત કરી હતી. પંજાબમાં રહેતી સારા ઘરની સ્વરુપવાન એવી ૧૫ વર્ષિય કિશોરી તેના જ વિસ્તારના એક રોડછાપ રોમિયો જેવા યુવક સાથે વલસાડ રેલવે સ્ટેશન પર જોવા મળી હતી. ટિકીટ ચેક કરવા ઉભા રહેલા જેક પરમારને શંકા જતાં બંનેની પુછતાછ કરી હતી. જેમાં પહેલાં યુવકે પોતાની બહેન હોવાની વાત કરી હતી. ત્યારબાદ તેણે સંપૂર્ણ હકીકત જણાવી હતી. કિશોરીએ પણ તેનાથી ભૂલ થઇ ગઇ હોવાનું જણાવ્યું હતુ. જેની વાત જાણ્યા બાદ જેક પરમારે પંજાબની કિશોરીની માતા સાથે વાત કરી હતી અને તેમના જણાવ્યા બાદ તેમણે પંજાબ પોલીસ સાથે પણ વાત કરી આ કિશોરી અને યુવકને વલસાડ રેલવે પોલીસને સુપ્રત કર્યા હતા.