ગુજરાત
News of Monday, 4th June 2018

મહેસાણાની રાધનપુર ચોકડી નજીક ડ્રોની સ્કીમ ચલાવતી પેઢીનું એકાએક ઉઠમણું થઇ જતા 1500થી વધુ ગ્રાહકોને નુકશાની

મહેસાણા: શહેરના રાધનપુર ચોકડી નજીક લકી ડ્રોની સ્કીમ ચલાવતી એક પેઢીનું એકાએક ઉઠામણુ થઈ જતા ૧પ૦૦ થી વધુ ગ્રાહકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. છેતરપીંડીનો ભોગ બનેલા ગ્રાહકોની ફરીયાદને અધારે મહેસાણા બી ડીવીઝન પોલીસે ૪ સંચાલકો સામે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. પરંતુ ઓફીસને તાળા મારીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા સંચાલકો પોલીસની પહોંચથી દુર રહ્યા છે. મહેસાણામાં રાધનપુર ચોકડી નજીક ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં રોહીત પટેલ ઉર્ફે પેન્ટર, પાવન પટેલ ઉર્ફે લકી, વિપુલ ચૌધરી અને કિરણ નાયક નામના શખસોએ સદભાવના ફાઉન્ડેશનની ઉમિયા કૃપા લકી ડ્રોની સ્કીમ શરૃ કરી હતી. જેમાં પ્રતિમાસ રૃ.પ૦૦ ભરીે ૪૦ હપ્તા બાદ ૧૮ ટકા વ્યાજ સહીત પૈસા પરત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સ્કીમની મુદત પૂર્ણ થયા બાદ ગ્રાહકોને નાણાં પરત આપવામાં સંચાલકોએ ગલ્લાતલ્લા કર્યા હતા. વળી, શનિવારે મોડી સાંજે ઓફીસના શટર પાડી દેવાતા ગ્રાહકોએ મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે પહોચી ફરીયાદ નોંધાવી હતી. જો કે, પોલીસ મથકે રૃ.ર૩.૭૧ લાખની છેતરપીંડી નો ગુનો નોંધાયાને ર૪ કલાક જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી એક પણ સંચાલકની ધરપકડ કરવામાં આવી નથી જેના લીધે ગ્રાહકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
 

(5:25 pm IST)