ગુજરાત
News of Monday, 4th June 2018

એસટીના ભાવનગરના ડીસી માલીવાડ સસ્પેન્ડ

બરવાડા ડેપોના મહિલા કંડકટર સાથે અજુગતુ વર્તન-જાતિય સતામણીની બાબતે આકરો નિર્ણય

રાજકોટ તા. ૪ :.. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગમાં વિભાગીય નિયામક તરીકે ફરજ બજાવતા આર. વી. માલીવાડને અનેક ગંભીર પ્રકારની અનિયમિતતા સબબ તા. ર થી ફરજ મોકૂફી હેઠળ (સસ્પેન્શન) મુકવાનો હુકમ થતા સનસનાટી મચી છે.

સસ્પેન્શન સમય દરમિયાન તેઓને મુખ્ય યાંત્રિક ઇજનેરશ્રી, યાંત્રિક ખાતુ મ. કચેરી, અમદાવાદ સમક્ષ રોજેરોજ હાજર થવાનું રહેશે અને હાજરી પુરાવવાની રહેશે. આ સમય દરમિયાન માલીવાડ, મંજૂરી મેળવ્યા સિવાય હેડ કવાર્ટર છોડી શકશે નહીં અને સર્વિસ રેગ્યુલેશનની જોગવાઇ મુજબ પ૦ ટકા સસ્પેન્શન એલાઉન્સ મળવા પાત્ર થશે. તેમ પણ આદેશ કરાયો છે.

ટોચના સુત્રોના ઉમેર્યા પ્રમાણે માલીવાડ, નિગમના વર્ગ-૧ ના અધિકારી તરીકે ફરજ બજાવે છે, નિગમના પ્રવર્તમાન નિતી નિયમોથી જાણકાર હોવા છતાં તાબા હેઠળના બરવાડા ડેપોના મહિલા કન્ડકટર સાથે ઉચ્ચ હોદાનો ગેરલાભ લઇ ફોનથી મહિલા કન્ડકટરને અજુગતુ, અવ્યવહારૂ વાતો કરવા તેમજ તેના સહાનુભૂતિ ઉભી કરીને ગેરલાભ લેવાનો તેમજ ટેલીફોનિક વાતોના માધ્યમથી જાતિય સતામણી બાબતે આગળ વધવા તરફનો બદઇરાદો પ્રાથમિક દ્રષ્ટીએ ફલિત થતા સસ્પેન્ડ કરાયાની વિગતો બહાર આવી છે.

(4:07 pm IST)