ગુજરાત
News of Monday, 4th June 2018

આર્યન નેહરાના રેકોર્ડ બ્રેક ધુબાકા રાજ્યની ૪૦૦ મી. સ્વિમિંગ સ્પર્ધામાં ગુજરાતનો ૨૦ વર્ષ જુનો રેકોર્ડ તોડયો

સ્ટેટ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપની વિવિધ હરિફાઇમાં પાંચ ગોલ્ડ મેળવતા પૂર્વ રાજકોટ મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાના પુત્ર

રાજકોટ તા. ૪ : અમદાવાદમાં એકલવ્ય સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, થલતેજ ખાતે તા. ૨ અને ૩ જુન, ૨૦૧૮ ના રોજ યોજાયેલ ગુજરાત સ્ટેટ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પણ અમદાવાદના તરણ સ્પર્ધક આર્યન વિજય નેહરાએ પોતાની શાનદાર જલ સફર જાળવી રાખી નવા નેશનલ રેકોર્ડ સાથે પાંચ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી નેવી સિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ખાસ કરીને સ્વિમિંગ સ્પર્ધાઓમાં સૌથી મુશ્કેલ ગણાતી ૪૦૦ મી. ઈન્ડીવિજયુઅલ મેડલી ઇવેન્ટમાં આર્યન વિજય નહેરાએ ૨૦ વર્ષ જુનો અવિજિત સિન્હાનો ૫:૨૮.૨૬ મિનિટનો સ્ટેટ રેકોર્ડ ૩૮ સેકન્ડના માર્જિનથી તોડી નાંખ્યો હતો. આ ઉપરાંત ગ્રુપ-૨ માં, અમદાવાદની સ્વિમિંગ ટીમને બે રીલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતાડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

પ્રથમ દિવસે તા. ૨-૬-૨૦૧૮ ના રોજ આર્યન નેહરાએ ૨૦૦ મીટર ઈન્ડીવિજયુઅલ મેડલી ઇવેન્ટમાં જબરદસ્ત રેકોર્ડ બ્રેકિંગ દેખાવ કરી ૨:૨૧.૦૫ મિનિટમાં રેસ પુરી કરી હતી. આ અગાઉનો ૨:૩૪.૪૨ મીનીટ જુનો રેકોર્ડ નીલ કોન્ટ્રાકટરના નામે હતો. આર્યને આ રેકોર્ડ તોડી નવો સ્ટેટ રેકોર્ડ બનાવ્યો હતો. આ રેસ પુરી થયાની એક કલાકની અન્ડર જ આર્યને સ્વિમિંગ સ્પર્ધાઓમાં સૌથી મુશ્કેલ ગણવામાં આવતી ૪૦૦ મીટર ઈન્ડીવિજયુઅલ મેડલી ઇવેન્ટમાં ૪.૧૪.૧૭  મિનિટમાં જ અંતર પૂર્ણ કરી સૌને ચોંકાવી દીધા હતાં. આર્યને જેનીલ મેહતાના નામે રહેલો ૪.૪૫.૩૮ મિનિટનો જુનો રેકોર્ડ તોડી માની ના શકાય એ રીતે તેને આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં આર્યને જુના નેશનલ રેકોર્ડ કરતા પણ તોડી નાંખ્યો હતો. ત્યારબાદ આર્યને ૮૦૦ મીટર ફ્રીસ્ટાઈલ સ્પર્ધા પણ એક નવા રેકોર્ડ અને ગોલ્ડ મેડલ સાથે પૂર્ણ કરી હતી. તેણે આ રેસ ૮.૫૯.૩૧  મિનિટમાં જ અંતર પૂર્ણ કરી સને ૨૦૧૩ માં અમદાવાદના જેનીલ મેહતાનો ૯.૫૬.૮૨ મિનિટનો રેકોર્ડ તોડ્યો હતો.

આર્યન નેહરાએ બીજા દિવસે ૧૫૦૦ મીટર ફ્રી-સ્ટાઈલ સ્પર્ધા ૧૭.૦૫.૧૮ મીનીટમાં પૂર્ણ કરી, સને ૨૦૧૩ માં જ અમદાવાદના જેનીલ મેહતા દ્વારા નોંધાયેલા ૧૮ૅં૫૦.૬૫ મિનિટના રેકોર્ડને પણ ભૂતકાળ બનાવી તોડી નાંખ્યો હતો. ગુજરાત સ્ટેટ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં આર્યને સળંગ ચાર નવા રેકોર્ડ સાથે ચાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. અલબત્ત્। આર્યનનું સૌથી શાનદાર પ્રદર્શન સૌથી કઠીન એવી ૪૦૦ મી. ઈન્ડીવિજયુઅલ મેડલી ઇવેન્ટમાં રહયું હતું. આ સ્પર્ધામાં સ્પર્ધકે બટરફલાય, બેકસ્ટ્રોક, બ્રેસ્ટસ્ટ્રોક અને ફ્રીસ્ટાઈલમાં ૧૦૦-૧૦૦ મીટર તરવાનું હોય છે. આ રેસ જે તે સ્પર્ધકની શારીરિક ક્ષમતા અને તરણ વૈવિધ્યની ખરેખરની કસોટી કરે છે.

ગુજરાત સ્ટેટ જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સતત બબ્બે દિવસ સુધી રાષ્ટ્રીય સિદ્ઘિઓ મેળવી અમદાવાદ, ગુજરાત અને પોતાના માતા-પિતાનનું ગૌરવ વધારનાર આર્યનને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શકિતદૂત પ્લેયર તરીકે સપોર્ટ મળી રહયો છે. તે સ્પોર્ટસ સ્કોલરશિપ સાથે બ્રિટીશ ઇન્ટરનેશનલ સ્કૂલ, ફુકેટ ખાતે ઓલિમ્પિક કોચ કોલીન બર્નાર્ડના માર્ગદર્શન હેઠળ સ્વિમિંગ તાલીમ લઇ રહેલ છે. આ માસમાં જ મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાનાર નેશનલ જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે આર્યન વિજય નેહરા તૈયારી કરી રહેલ છે.

પાંચ પાંચ વ્યકિતગત ઇવેન્ટમાં ભાગ લઇ તમામ ઇવેન્ટમાં વર્તમાન રેકોર્ડ તોડી નવા રેકોર્ડ રચીને પર્સનલ બેસ્ટ ટાઈમિંગ સાથે ગોલ્ડ મેડલ હાંસલકરનાર આર્યન રાજકોટ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ કમિશનર વિજય નેહરાના પુત્ર છે.(૨૧.૨૮)

(4:05 pm IST)