ગુજરાત
News of Monday, 4th June 2018

નીટ પરિણામમાં અમદાવાદ અને સુરતના વિદ્યાર્થીનો ડંકો

અમદાવાદ-સુરતના ૪-૪ વિદ્યાર્થી ટોપ ૧૦૦માં : ૯૯.૯૯ પર્સેન્ટાઇલની સાથે કલ્પનાકુમારી દેશમાં ટોપર ગુજરાતના વિદ્યાર્થીઓ ઉપર શુભેચ્છા-અભિનંદનની વર્ષા

અમદાવાદ,તા.૪ : દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ)-૨૦૧૮ પરીક્ષાના પરિણામ જાહેર થઇ ચૂક્યાં છે. જેમાં ગુજરાતભરમાં ફરી એકવાર અમદાવાદ અને સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. નીટની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૯૯.૯૯ પર્સેન્ટાઇલ સાથે કલ્પનાકુમારી ટોપર બની હતી. જેણે ૭૨૦માંથી ૬૯૧ અંક મેળવ્યા હતા. ગત તા.૬ઠ્ઠી મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૧૩ લાખ ૭૦ હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતમાંથી ૭૫ હજાર વિદ્યાર્થીઓ હતા. ટોપ ફીફ્ટીમાં પણ ગુજરાતના સાત વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. નીટની પરીક્ષામાં સમગ્ર દેશમાં ફરી ગુજરાતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. નીટ-૨૦૧૮ના જાહેર થયેલા પરિણામોમાં ટોપ ૧૦૦માં અમદાવાદના ચાર વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં મહોમ્મદ અનસ ૨૪ અને શ્લોકે ૨૬મો રેન્ક, અમિતાભ ચૌહાણ ૩૪, ઋતુરાજ સાવલિયાએ ૮૪મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ જ પ્રકારે સુરતના ચાર સ્ટુડન્ટસને ટોપ ૧૦૦માં સ્થાન પ્રાપ્ત થયું છે. જેમાં ટોપ ૨૦માં બે સુરતીઓને સ્થાન પ્રાપ્ત થયું છે. અમદાવાદ-સુરતના સ્ટુડન્ટસની ઝળહળતી સફળતા બદલ તેઓની પર જાણે શુભેચ્છા-અભિનંદનની વર્ષા વરસી હતી. નીટની પરીક્ષાને લઈને વર્ષ દરમિયાન વાલીઓ અને સ્ટુડન્ટમાં વિરોધ જોવા મળ્યો હતો, ત્યારે આજે જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાંથી ફર્સ્ટ સુરતના સાહીલ શાહને ઓલ ઈન્ડિયા રેન્કમાં ૧૫મું સ્થાન મળ્યું છે. જ્યારે તનુજ પ્રેસવાલાને ઓલ ઈન્ડિયામાં ૧૮મો રેન્ક મળ્યો છે. બન્ને સ્ટુડન્ટને ગુજરાત ફર્સ્ટ જાહેર કરાયા છે. જ્યારે વિશ્વા જીનવાલાને ઓલ ઈન્ડિયામાં ૪૦મો રેન્ક અને પાર્થ ધામેલીયાને ૬૧મો રેન્ક પ્રાપ્ત થયો છે. આરડી કોન્ટ્રાક્ટર સ્કૂલમાં અભ્યાસ કરતાં અને ઈન્ડિયામાં ટોપ ૨૦માં ૧૫મો ક્રમ મેળવનાર સાહિલે જણાવ્યું હતું કે તે ફેસબુકમાં ટાઈમ વેસ્ટ નહોતો કરતો અને પ્રથમ દિવસથી જ મહેનતના કારણે આ પરિણામ હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. સાહિલના ડોક્ટર માતા પિતા સ્વાતિ શાહ અને પિતા સચિન શાહે સાહિલની સફળતાને વધાવી લીધી હતી અને આગળ એમબીબીએસ કર્યા બાદ સ્પેશ્યાલાઈઝેશન કરવાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું હતું. ગત વર્ષે નીટમાં સુરતીઓએ ૧૧ ક્રમે નિશિતા પુરોહિત આવી હતી. જ્યારે આ વર્ષે ચાર અંક નીચે સુરત સરક્યું હોય તે રીતે સાહિલ શાહને ટોપ ૧૦૦માં ૧૫મું સ્થાન પ્રાપ્ત થયું છે.  જો કે ગત વર્ષ કરતાં ટોપ ૧૦૦માં ચાર સ્ટુડન્ટ આવ્યાં છે. જેની સામે ગત વર્ષે માત્ર બે સ્ટુડન્ટજ હતાં. આમ ઓલ ઈન્ડિયા રેન્કમાં થોડો ઘટાડો થવાની સાથેટોપ ૧૦૦માં સ્ટુડન્ટસ વધ્યાંછે. નીટના પરિણામોને લઇખાસ કરીને અમદાવાદીઓ અને સુરતીઓમાં ખુશી અને ગૌરવની લાગણી ફેલાઇ ગઇ હતી. અમદાવાદ-સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડતાં ગુજરાતભરમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.

વિદ્યાર્થીઓ CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbseneet.nic.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશે.

(8:42 pm IST)