ગુજરાત
News of Monday, 4th June 2018

આણંદના ગામડી ગામે ખાળકૂવાના ખોદકામ વેળાએ ભેખડ ઘસી પડતા ચાર મજૂરો દટાયા : એકનું મોત : ત્રણને બહાર કઢાયા

આણંદના ગામડી ગામે ખાળકૂવાના ખોદકામ વેળાએ મોટી ભેખડ ધસી પડતાં ચાર મજૂરો દટાઇ ગયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમે જેસીબીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ત્રણ મજૂરોને બહાર કાઢી લીધા હતા જ્યારે એક મજૂરનું માટી નીચે દટાઇ જવાના કારણે મોત થયું હતું.

  મળતી માહિતી મુજબ ગામડી ગામ સ્થિત પોલીસ લાઇનમાં ખાળકૂવાનું ખોદકામ ચાલતું હતું ત્યારે અચાનક એક મોટી ભેખડ ધસી પડતાં ખોદકામ કરતા ચાર મજૂરો માટી નીચે દટાઇ ગયા હતા. ખોદકામ કરી રહેલા કમલેશ, અલ્કેશ, રમેશ અને કિરીટ તમામ રહેવાસી દાહોદ આ ચારેય માટી નીચે દટાઇ ગયા હતા.

ફાયર‌બ્રિગેડની ટીમ તાત્કાલીક પહોંચી જઇ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને ચારેયને બહાર કાઢી ગંભીર હાલતમાં કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક મજૂરનું મોત થયું હોવાનું જાણવા મળે છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(12:38 pm IST)