ગુજરાત
News of Monday, 4th June 2018

ખેડૂતોના ઉગ્ર આંદોલનને પગલે ગુજરાતમાં શાકભાજીના ભાવો બમણા થવાની દહેશત

ટામેટા, મરચાં સહિતની વિવિધ શાકભાજીનો જથ્થો ગુજરાત આવતો અટકી ગયો છે

અમદાવાદ તા. ૪ : મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના વિવિધ રાજયોના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે, જો આ આંદોલન વધારે સમય ચાલે તો ગુજરાતમાં શાકભાજીના ભાવો બમણાં થઈ શકે તેમ છે કારણ કે અત્યારે ટામેટા, મરચાં સહિતની વિવિધ શાકભાજીનો જથ્થો ગુજરાત આવતો અટકી ગયો છે. શાકભાજી માર્કેટ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે, જો આ જ સ્થિતિ રહી તો ભાવોમાં વધુ ભડકો થશે. વિવિધ રાજયોના ખેડૂતો સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે મોરચો માંડયો છે અને લડત ચલાવી રહ્યા છે.

સૂત્રો કહે છે કે, હાલમાં ટામેટાનો જથ્થો ઓછો આવી રહ્યો છે. જો જથ્થો હજુ ઓછો થશે તો ભાવોમાં ભડકો થશે. ગુજરાતમાં મહારાષ્ટ્રના એહમદ નગર અને નાસિકથી પણ શાકભાજી આવે છે, ત્યાં પણ આંદોલન ચાલી રહ્યું છે. રાજસ્થાનથી શાકભાજી-ફળોનો જથ્થો અત્યારે આવી રહ્યો છે, જો અહીંનો સપ્લાય અટકાવશે તો કિંમત વધી જવાની છે. શુક્રવારથી તેમનું આંદોલન ચાલુ થયું છે.

વેપારીઓનું કહેવું છે કે, ટામેટાની સાથે કોથમીરનો જથ્થો પણ ઓછો થઈ રહ્યો છે. જો આવી જ સ્થિતિ રહેશે તો શાકભાજીમાં હજુ ય મોંઘવારીનો સામનો કરવો પડી શકે તેમ છે. અલબત્ત્।, બટાકા અને ડુંગળીનો જથ્થો રાજયમાં પૂરતો હોવાથી તેના ભાવો પર કંઈ ખાસ અસર પડે તેવું લાગતું નથી,

એ જ રીતે દૂધમાં પણ ગુજરાત અન્ય રાજયો પર નભે છે તેવું નથી એટલે દૂધના જથ્થાને લઈને પણ ગુજરાતમાં કોઈ સમસ્યા સર્જાય તેવું લાગતું નથી તેમ સૂત્રો કહી રહ્યા છે.(૨૧.૧૧)

(11:45 am IST)