ગુજરાત
News of Monday, 4th June 2018

સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન : ગીરમાં કરા

અમરેલીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદનો દોર રહ્યો : અમરેલીના સાવરકુંડલા, ખાંભા સહિતના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકાની સાથે વરસાદ વરસ્યો : હજુ વરસાદ પડવાની આગાહી કરાઈ

અમદાવાદ,તા. ૩ : રાજયના સૌરાષ્ટ્ર પંથકમાં આજે સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. અમરેલીના સાવરકંુડલા, ખાંભા, મિતાયાળા જંગલ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો, તો, ગીર પંથકમાં વળી બરફના કરા સાથે વરસાદ ખાબકયો હતો. ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીને લઇ સૌરાષ્ટ્રવાસીઓ ખુશખુશાલ થઇ ગયા હતા. બીજીબાજુ, દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના પંથકોમાં પણ તોફાની વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને વાવાઝોડા સાથે આવેલા વરસાદને પગલે સંખ્યાબંધ વૃક્ષોનો સોથ વળી ગયો હતો. અમરેલીના સાવરકુંડલામાં ગઇકાલે પણ તોફાની વાવાઝોડા અને મેઘતાંડવથી અનેક વૃક્ષો અને ર્હોડિંગ્સ ધરાશાયી થયા હતા. આજે બીજા દિવસે પણ અમરેલી જિલ્લામાં આકરા તાપ વચ્ચે મેઘ મહેર થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવ્યાનો અનુભવ કર્યો હતો. આજે ખાંભામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ખાંભામાં વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. બીજીબાજુ, ગીર વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ સાવરકુંડલાના મિતિયાળા જંગલ વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યાના સમાચાર મળી રહ્યા છે. આ સિવાય ધારીના કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે સાવરકુંડલામાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો તોફાની વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ મેઘ મહેર અવિરત રહેતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ છે. અમરેલીમાં બપોર બાદ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં સાવરકુંડલામાં ભારે વરસાદના કારણે વીજળી ગુલ થઈ હોવાના સમાચાર મળ્યા હતા. આશરે દોઢ લાખની વસ્તી ધરાવતા સાવરકુંડલામાં થોડા સમય માટે અંધારપટ છવાયો હતો. સતત પાંચ કલાક સુધી વીજળી ન હોવાના કારણે લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા.  અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદના કારણે નાવલી નદીમાં પૂર આવ્યું હતું. નદીમાં એકા-એક આવેલા પૂરમાં એક મારૂતી કાર તણાઈ હતી. પરંતુ કારમાં કોઈ સવાર ન હોવાથી સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. નદીમાં આવેલા આ વર્ષના પહેલા પૂરને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. દરમ્યાન દક્ષિણ ગુજરાતના સુરતમાં એક રાતમાં ૩૫ મીમી જેટલો વરસાદ પડ્યો હતો. ભારે પવનને લીધે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૯૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. લાઈટના થાંભલા પડી જવાને કારણે ઘણા વિસ્તારોમાં લાઈટો પણ જતી રહી હતી. વાવાઝોડા અને વરસાદને કારણે ૨૫થી વધુ લોકો ઘાયલ થયાનું પણ જાણવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો, સુરતમાં ૩૫ મીમી, બારડોલીમાં ૧૫ મીમી, ચોર્યાસીમાં ૧૨ મીમી, કામરેજમાં ૫ મીમી, મહુવામાં ૧ મીમી, માંડવીમાં ૧૨ મીમી, ઓલપાડમાં ૪૦ મીમી, પલસાણામાં ૮ મીમી, માંગરોળમાં ૩૫ મીમી, વાલોડમાં ૨૨ મીમી અને નીઝરમાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાઓ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયા બાદ લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ચોમાસાની એન્ટ્રી થવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી પણ કરવામાં આવી છે. અમરેલીમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. અમરેલીમાં મેઘમહેર થતાં લોકોએ રાહત મેળવી હતી. ખાંભામાં વિજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. ગીરમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે. ધારીના કોટડા, દલખાણિયા, મીઠાપુરમાં પણ વરસાદ થયો છે.

ગુજરાત : તાપમાન

સ્થળ......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ....................................................... ૪૧

ડિસા............................................................. ૪૧.૩

ગાંધીનગર.................................................... ૪૧.૬

ઇડર.................................................................... -

વીવીનગર.................................................... ૪૨.૪

વડોદરા........................................................ ૪૧.૧

સુરત............................................................ ૩૬.૨

વલસાડ........................................................ ૩૪.૯

અમરેલી.............................................................. -

ભાવનગર........................................................ ૪૨

રાજકોટ........................................................ ૪૦.૮

સુરેન્દ્રનગર................................................... ૪૧.૩

ભુજ.............................................................. ૩૭.૮

નલિયા......................................................... ૩૫.૪

કંડલા એરપોર્ટ.............................................. ૩૯.૬

કંડલા પોર્ટ.................................................... ૩૭.૫

મહુવા........................................................... ૩૭.૮

(9:50 pm IST)