ગુજરાત
News of Monday, 4th June 2018

આંદોલન તોડવાનું ભાજપનુ કાવતરૂ અંતે ખુલ્લું પડી ગયું

વિડિયો વાયરલ થતાં હાર્દિક પટેલની પ્રતિક્રિયા : પાટીદારના આંદોલનને તોડી પાડવાની જવાબદારી જુદા જુદા લોકોને સોંપાઈ હતી : ઘણાને ખરીદી લેવાયા : હાર્દિક

અમદાવાદ,તા.૩ : પાટીદાર સમુદાય માટે અનામતની માંગણીને લઇને ગુજરાતભરમાં ભારે હોબાળો મચાવનાર હાર્દિક પટેલે ફરી એકવાર ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું છે કે, પાટીદારના આંદોલનને તોડી પાડવા માટે ભાજપે જોરદાર રમત રમી હતી. આંદોલન તોડી પાડવાનો ભાજપના કારસાનો હવે ખુલાસો થયો છે. બીજી બાજુ ભાજપે હાર્દિક પટેલના આક્ષેપોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે, ભાજપ સાથે આને કોઇ લેવા દેવા નથી. સોશિયલ મિડિયામાં પાટીદાર અનામત આંદોલનને તોડી પાડવાના પ્રયાસ થઇ રહ્યા છે તે પ્રકારનો એક વિડિયો વાયરલ થયા બાદ હાર્દિકે આક્ષેપોનો મારો ચલાવ્યો છે. વિડિયોમાં મનસુખ પટેલ એક વ્યક્તિ સાથે વાતચીત કરતા નજરે પડે છે. વિડિયોના પગલે આંદોલનના સંદર્ભમાં હાર્દિકે પણ પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, આંદોલનકારીઓને ખરીદી લેવામાં આવ્યા હતા. આંદોલનકારીઓને ખરીદી લેવાની જવાબદારી પણ જુદા જુદા લોકોને સોંપવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેમાં બટુક મોવલિયા, મુકેશ ખેની, સુરતના ઉદ્યોગપતિ વિમલ પટેલ, સિદ્ધસર ઉમિયાધામના જયરામભાઈ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ સીકે પટેલનો સમાવેશ થાય છે. એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે, રેશ્મા પટેલને ચાર કરોડમાં, વરુણ પટેલને છ કરોડમાં, ચિરાગ પટેલને બે કરોડમાં, કેતન પટેલને ત્રણ કરોડમાં, દિનેશને આઠ કરોડમાં, નલિન કોટડિયાને ૧૩ કરોડમાં ખરીદી લેવામાં આવ્યા હતા. વિજય મંગુકિયાને બે કરોડમાં ખરીદી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલના આક્ષેપો બાદ ફરી એકવાર અનામત આંદોલનને લઇને આક્ષેપાજીનો દોર શરૂ થયો છે. ભાજપે આક્ષેપોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે, કોંગ્રેસના લોકો આ પ્રકારના આક્ષેપો કરતા રહે છે.

(9:18 pm IST)