ગુજરાત
News of Saturday, 13th January 2018

પોલીસે બાતમીના આધારે કલોલમાં કલ્યાણપુરા ઓવરબ્રિજ નીચે વરલીમટકાનું જુગારધામ ઝડપ્યું: પાંચ શખ્સોની ધરપકડ

કલોલ:શહેરમાં કલ્યાણપુરા ઓવરબ્રીજ નીચે મોટાપાયે વરલીમટકાનું જુગાર ધામ ચાલતું હોવાની  બાતમીના આધારે આરઆર સેલે દરોડો કરી પાંચ જુગારીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા. જો કે જુગારધામ ચલાવતો મુખ્ય સુત્રધાર ભાગી છુટયો હતો. પોલીસે સ્થળ ઉપરથી ર૩૨૯૦ની રોકડ કબ્જે લીધી હતી. કલોલ શહેરમાં આવેલા કલ્યાણપુરા વિસ્તારમાં ઓવરબ્રીજ નીચે મોટાપાયે જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ગઈકાલે સાંજે આર આર સેલે દરોડો કર્યો હતો.

જેમાં વરલી મટકાનો જુગાર રમતાં સલીમ હાસમભાઈ ચૌહાણ રહે.પાનસર ચોકડી, કાળુજી રમેશજી ઠાકોર રહે.કલ્યાણપુરા પુલ નીચે, રાજેશ રમણલાલ ત્રિવેદી રહે.મોહનસુથારની ચાલી, મજીદ ગફુરભાઈ અંસાર રહે.જુની હાડકામીલની ચાલી, રાજુજી અમૃતજી ઠાકોર રહે.મોહનસુથારની ચાલી રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી કુલ ર૩૨૯૦ની રોકડ અને જુગારની સાહિત્ય કબ્જે લીધું હતું.

જો કે જુગારધામનો મુખ્ય સુત્રધાર મહોંમદ હુસેન ઈસ્માઈલભાઈ મલેક ભાગી છુટયો હતો. પોલીસે જુગારનો કેસ દાખલ કરાવી ફરાર જુગારીની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે આરઆર સેલે કલોલમાં જુગારનો કવોલીટી કેસ કરતા સ્થાનીક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. આરઆર સેલના દરોડાને પગલે સ્થાનીક પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી.

મહત્વની બાબત એ છે કે વરલી મટકાનો જુગારમાં સ્થળ ઉપરથી ઓછી રોકડ હાથ લાગતી હોય છે પરંતુ ગઈકાલના આ દરોડામાં ર૩ હજારથી પણ વધારેની રોકડ સ્થળ ઉપરથી પકડાતાં કેટલા મોટાપાયે જુગારધામ ચાલતું હશે તેનો અંદાજ લગાડી શકાય છે.

(5:36 pm IST)