ગુજરાત
News of Friday, 20th November 2020

ગાંધીનગરના ઘ-5માં કુરિયરની દુકાનમાં દારૂની મહેફિલ માણતા શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા

ગાંધીનગર:શહેરના ઘ-પ ખાતે આવેલા સુરભી કોમ્પલેક્ષમાં કુરીયરની દુકાનમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના પગલે સે-ર૧ પોલીસે દરોડો પાડી છ શખ્સોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા અને આ સ્થળેથી દારૂની ત્રણ ખાલી બોટલ તેમજ બે ભરેલી બોટલ કબ્જે કરી હતી. દિવાળીના તહેવાર દરમ્યાન મિત્રોએ આ દુકાનમાં પાર્ટીનું આયોજન કર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તમામ સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.  

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે દિવાળીના પર્વ દરમ્યાન દારૂની હેરફેરની સાથે મહેફીલો પણ વધી રહી છે. ત્યારે સે-ર૧ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે શહેરના ઘ-પ પાસે સે-રરમાં આવેલા સુરભી કોમ્પલેક્ષના પહેલા માળે મેરીગોલ્ડ કુરીયર દુકાન નં.જી-૬માં કેટલાક ઈસમો ભેગા મળીને દારૂની મહેફીલ માણી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડયો હતો અને છ જેટલા શખ્સો દારૂની મહેફીલ માણતાં પોલીસ ઝપટે ચઢી ગયા હતા. જેમાં પીનાકીન નટવરભાઈ પટેલ રહે.મકાન નં.ર૫૮ વાણીયાવાસ, નરોડા, પૃથ્વીરાજસિંહ વિજયસિંહ ચૌહાણ રહે.એ૩, કામેશ્વર એપાર્ટમેન્ટ, નરોડા, ધવલ કૌશિકભાઈ પટેલ રહે.મકાન નં.૧/૧, જીઆઈડીસી કોલોની સે-ર૮ ગાંધીનગર, દિપક કૈલેશભાઈ સોની રહે.મકાન નં.૬૦ શ્રેયાંસનાથ સોસાયટી, નરોડા, કૃપલ અશ્વિનભાઈ પટેલ રહે.ડી-૮૦, અરિહંતનગર સોસાયટી નિકોલ રોડ અને શ્રેણિક દિનેશભાઈ શાહ રહે.આઝાદ ચોક દેરાસર પાસે નરોડાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી દારૂની ત્રણ ખાલી બોટલ અને રમની બે ભરેલી બોટલ કબ્જે કરી હતી. આ શખ્સો સામે પ્રોહીબીશન એકટની સાથે એપેડેમીક એકટનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારો દરમ્યાન અમદાવાદના મિત્રોએ ભેગા થઈને પાર્ટીનું આયોજન કર્યું હતું તે જ સમયે પોલીસે રંગમાં ભંગ પાડયો હતો. 

(5:11 pm IST)