આણંદ તાલુકાના કુંજરાવ ગામની ભાલેજ ચોકડી નજીક પુરપાટ જતી કાર ઝાડ સાથે અથડાતા બે શખ્સોના ઘટનાસ્થળેજ મોત
આણંદ:તાલુકાના કુંજરાવ ગામની ભાલેજ ચોકડી નજીક ગતરોજ વહેલી સવારના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક કાર ઝાડ સાથે અથડાતા ચાલક સહિત બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ખંભોળજ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો મેળવી અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના ત્રણોલ ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે રાહુલ રાજેન્દ્રભાઈ સોલંકી અને તેનો મિત્ર અભિષેક ઉર્ફે ભોલો ગતરોજ વહેલી સવારના સુમારે કાર લઈને ભાલેજ ચોકડી ખાતે ચ્હા પીવા ગયા હતા. ચ્હા પીધા બાદ તેઓ કાર લઈને ભાલેજથી ત્રણોલ ગામે પરત આવવા નીકળ્યા હતા. દરમ્યાન ભાલેજ-કુંજરાવ રોડ ઉપર કુંજરાવ ગામની ચોકડી નજીક કારચાલક ભરતભાઈ ઉર્ફે રાહુલે પુરપાટ ઝડપે કાર હંકારતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે કાર અથડાવતા કારનો કુરખો બોલી ગયો હતો.