ગુજરાત
News of Friday, 20th November 2020

કેવડિયાનો પ્રચાર કરશે અમિતાભ બચ્ચન

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વ કક્ષાએ પ્રસિધ્ધી મેળવી લીધી છે...અનેક હસ્તીઓ મુલાકાત લઇ ચુકી છે : સિર્ફ કચ્છ નહિ, કેવડિયા ભી નહિ દેખા તો કુછ નહિ દેખા'ની થીમ પર જાહેરાત બનાવવા અમિતાભ બચ્ચન પાસે સરકારે તારીખો માંગીઃ બીગ બી અઠવાડીયુ રોકાણ કરે તેવી શકયતા

રાજકોટ તા. ૨૦: બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને અગાઉ 'કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા' એ થીમ પર કચ્છના પ્રવાસન સ્થળોનો પ્રચાર કર્યો હતો. એ પછી કચ્છના પ્રવાસન ઉદ્યોગને ભરપુર લાભ થયો છે. હવે આ રીતે કેવડિયાનો પ્રચાર પણ અમિતાભ બચ્ચન કરશે. સિર્ફ કચ્છ નહિ, કેવડિયા ભી નહિ દેખા તો કુછ નહિ દેખા...એવી થીમ મુજબની જાહેરાત બનાવવા માટે તૈયારી આરંભાઇ છે અને તેના શુટીંગ માટે સરકાર દ્વારા અમિતાભ બચ્ચન પાસે તારીખો મંગાવવામાં આવી છે. કેવડિયામાં બીગ બી અઠવાડીયા જેટલુ રોકાણ કરીને આ જાહેર ખબરનું કામ પુરૂ કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૩૧મી ઓકટોબર ૨૦૧૮ના રોજ નર્મદા ઝીલ્લાના કેવડિયામાં વિશ્વની સોૈથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યુ હતું. એ પછી નર્મદા જીલ્લાનું નામ સમગ્ર વિશ્વના નકસામાં અંકિત થઇ ગયું છે. આ કારણે અવાર-નવાર દેશ વિદેશમાંથી અનેક મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવતા રહે છે. રાષ્ટ્રી કક્ષાની કોન્ફરન્સનું આયોજન પણ કેવડિયા ખાતે જ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સમગ્ર વિશ્વમાં સારી પ્રસિધ્ધી મેળવી લીધી છે. ત્યારે કેવડિયાનો પ્રવાસન ક્ષેત્રે વધુને વધુ વિકાસ થાય એ માટે સરકાર કટીબધ્ધ છે.

અગાઉ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ખુશ્બૂ ગુજરાત કી કેમ્પેઇન અંતર્ગત કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા થીમ પર પ્રચાર કર્યો હતો. હવે ફરીથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેકટનો વિશ્વ કક્ષાએ તેઓ પ્રચાર કરશે. જો કે શુટીંગની તારીખોને કારણે હાલ કામ અટકેલુ છે. બીગ બી તારીખો આપે તેની રાહ જોવાઇ રહી છે. તેમની ચોક્કસ તારીખો મળી ગયા પછી કામ આગળ વધશે અને એ વખતે તેઓ કેવડિયામાં અઠવાડીયા સુધી રોકાણ કરશે તેમ જાણવા મળે છે.

(11:03 am IST)